મોરબી : ગુજરાતનો ઐતિહાસિક ઝૂલતો પુલ રવિવારની ગોઝારી સાંજે તૂટી પડ્યો છે. જે અત્યારસુધી કુલ 134 લોકોના જીવ ભરખી ગયો છે. જેના કારણે આખા પંથકમાં આક્રંદ અને ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ જતા સ્મશાનની બહાર પણ લાંબી લાઇન લાગી હોય તેવા હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયા છે. સ્મશાનની સાથે કબ્રસ્તાનમાં પણ આવો જ માહોલ છવાયો છે. કબ્રસ્તાનમાં પણ અંતિમવિધિ માટે સવારથી જ સ્વજનો રાહ જોઇને બેઠા છે. આ દ્રશ્યો જોઇને જ ભલભલા કઠણ કાળજા નરમ થઇ ગયા છે.
અંતિમવિધિ માટે લાંબી લાઇનો- મળતી માહિતી પ્રમાણે, લીલાપર રોડ, સામાકાંઠા, વિશિપરા નદી સ્મશાનગૃહ અને સતવારા સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં મૃતકોના સ્વજનોના ટોળેટોળા ઉમટ્યા હતા. અંતિમવિધિ માટે સવારથી જ મોટી સંખ્યામાં પરિજનો પોતાના મૃત સ્વજનોને લાવી રહ્યા છે. અચાનક પોતાના સ્વજનને ગુમાવવાને કારણે પરિવારની આંખોમાંથી જાણે આંસુ બંધ જ નથી થતાં.




