Blog

વિજયનગરમાં જૈન સંતોનું ઐતિહાસિક સામૈયું: ભક્તિ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ વચ્ચે ભવ્ય મંગલ પ્રવેશ

અહેવાલ : સંગીતાબેન શાહ

વિજયનગર, સાબરકાંઠા:
સાબરકાંઠા જિલ્લાના ધર્મનગરી વિજયનગરમાં દિગંબર જૈન સમાજ માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી. પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય શાસન પ્રભાવક આચાર્ય ૧૦૮ શ્રી મયંકસાગરજી મહારાજ સાહેબ સસંઘ (૩ મુનિવરાજ અને ૧ આર્યિકા માતાજી) તેમજ બાલયોગિની, વાત્સલ્યમૂર્તિ પરમ પૂજ્ય આર્યિકા ૧૦૫ શ્રી સુનંદામતિ માતાજીના ભવ્ય મંગલ સામૈયા અને નગરપ્રવેશ પ્રસંગે સમગ્ર વિજયનગર ગુરુભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

સવારે ૯:૧૫ કલાકે ટેલિફોન એક્સચેન્જ પાસેથી ગગનભેદી જયઘોષ વચ્ચે ભવ્ય નગરયાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રા પ્રાથમિક શાળા પુલીયા, વાગોળીયા વડલા અને પેલેસ રોડ માર્ગે પસાર થઈ ૧૦૦૮ શ્રી આદિનાથ દિગંબર જૈન બીસપંથી દેરાસર સુધી પહોંચી હતી. માર્ગમાં અનેક સ્થળોએ શ્રદ્ધાળુઓએ સંતોના પાદ પ્રક્ષાલન, પુષ્પવર્ષા અને મંગલ આરતી દ્વારા ભાવભેર સ્વાગત કર્યું હતું.

પ્રસંગ દરમિયાન મહિલા મંડળ દ્વારા પરંપરાગત વેશભૂષામાં દાંડિયા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી, જ્યારે યુવા મંડળ દ્વારા લેઝીમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર નગરમાં મંગલ ધૂન, મંત્રોચ્ચાર અને જયઘોષથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શ્રાવકોએ પોતાના ઘરઆંગણે સુંદર રંગોળીઓ બનાવી પૂજ્ય સંતોનું સ્વાગત કર્યું હતું.

નગરયાત્રાના સમાપન બાદ પૂજ્ય સંત સંઘે ૧૦૦૮ શ્રી આદિનાથ દિગંબર જૈન બીસપંથી દેરાસરમાં મંગલ પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ યોજાયેલી ભક્તિસભામાં આચાર્ય શ્રી મયંકસાગરજી મહારાજ સાહેબ અને આર્યિકા શ્રી સુનંદામતિ માતાજીએ પોતાના મંગલ પ્રવચનમાં ધર્મ, સંયમ, તપ અને આત્મકલ્યાણના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે શ્રી સમસ્ત દિગંબર જૈન પંચ મહાજન, વિજયનગરના પ્રમુખ તથા ફેડરેશન ઓફ હુમડ જૈન સમાજના રાષ્ટ્રીય સચિવે વર્ષ ૧૯૯૯ના ઐતિહાસિક ચાતુર્માસ અને વર્ષ ૧૯૯૪માં વિજયનગર ખાતે યોજાયેલી હુમડ સમાજની પ્રથમ ઐતિહાસિક સભા તેમજ આંતરરાષ્ટ્રીય ફેડરેશનની સ્થાપનાની ગૌરવગાથાને યાદ કરીને સમાજના ઐતિહાસિક વારસાને ઉજાગર કર્યો હતો.

ઈડર ખાતે ચાતુર્માસ માટે પધારેલા પૂજ્ય આચાર્ય શ્રી મયંકસાગરજી મહારાજ સસંઘના ટૂંકા પાવન પ્રવાસ અને પૂજ્ય આર્યિકા સુનંદામતિ માતાજીના ચાતુર્માસ મંગલ પ્રવેશથી સમગ્ર વિજયનગર જૈન સમાજમાં આસ્થા, આનંદ અને ધર્મપ્રભાવનાનો અનોખો માહોલ સર્જાયો હતો.

Related Articles

Back to top button