મોદી હૈ તો મુમકીન હૈઃ ચૂંટણી પહેલા ટેક્સપેયર્સને મળશે રાહત, બજેટમાં થશે મોટું એલાન…
મોદી હૈ તો મુમકીન હૈઃ ચૂંટણી પહેલા ટેક્સપેયર્સને મળશે રાહત, બજેટમાં થશે મોટું એલાન...
આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને મોટી રાહત આપે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવનાર વચગાળાના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ વર્તમાન કર મુક્તિ 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરી શકાય છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર માટે ફાઇનાન્સ બિલ રજૂ કરવામાં આવી શકે છે.
આ માહિતી આ કેસ સાથે જોડાયેલા બે અધિકારીઓ દ્વારા આપવામા આવી છે. જાણકારોના કહેવા પ્રમાણે જો સરકાર આ નિર્ણય લેશે તો નવી ટેક્સ સિસ્ટમમાં કરદાતાઓએ 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જેમાં 50 હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શન છૂટ પણ સામેલ છે. આ અગાઉ સરકારે 2023ના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ છૂટને 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરી હતી.
સરકારે બજેટ 2023માં નવી ટેક્સ સિસ્ટમમાં ઘણા ફેરફારો કરીને રાહત આપી હતી. આ મુજબ, નવી ટેક્સ સિસ્ટમમાં અગાઉ કોઈ રોકાણ અથવા કપાતનો દાવો કરી શકાતો ન હતો, પરંતુ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત કરદાતાઓને 50,000 રૂપિયા સુધીની ટેક્સ કપાત આપવામાં આવે છે.
પેન્શનરોને આ સિસ્ટમ હેઠળ 15,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ સિવાય નવી સિસ્ટમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત મૂળભૂત મુક્તિ મર્યાદા અગાઉના 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે.
વર્ષ 2023-24 માટે 31 ડિસેમ્બર સુધી રેકોર્ડ 8.18 કરોડ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા હતા. જે 2022-23ના સમાન સમયગાળામાં ફાઈલ કરાયેલા 7.51 કરોડ ITR કરતાં 9 ટકા વધુ છે. સરકાર ટેક્સ કલેક્શન વધારવા પર ભાર આપી રહી છે. ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બરના ગાળામાં ટેક્સની આવકમાં 14.7 ટકાનો વધારો થયો હતો, જે પ્રત્યક્ષ કર માટેના 10.5 ટકા અને પરોક્ષ કર માટેના 10.45 ટકાના બજેટ અંદાજ કરતાં વધુ છે. તેથી નિષ્ણાતોના મત મુજબ સરકારે વધુ ટેક્સ રાહત પર વિચાર કરવો જોઈએ.




