અરવલ્લી જિલ્લાનું એક માત્ર ગેલીમાતાનું મંદિર કે જ્યાં દશેરાની મધ્ય રાત્રિએ માતાજીને ધરાવાય છે તીખી ફૂલવડીનો પ્રસાદ. વાવમાં બિરાજમાન માતાજીના અનેક પરચાની માન્યતા છે.
મેઘરાજ નગરમાં હજારો વર્ષ પુરાણું ગેલીમાતાનું મંદિર આવેલું છે. જેમાં ખૂબ ચમત્કારિક માતાજીની મૂર્તિ છે. મંદિરની બાજુમાં આવેલી પૌરાણિક વાવમાં પણ માતાજીનું સ્વરૂપ બિરાજમાન છે. ત્યારે આ સ્થાનકે ધામધૂમપૂર્વક નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે ત્યારે દશેરાના દિવસે પણ માતાજીના સ્થાનકે ગરબા થાય છે. અને માંડવીની વિદાય દશેરાના દિવસે પરોઢે થતી હોય છે રાત્રે 12 વાગ્યા પછી માતાજીને તીખી ફૂલવડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
વર્ષોની એક શ્રદ્ધા છે કે ગેલી માતાને ફૂલવાડી બહુ પ્રિય છે અને માતાજી નવ દિવસના નોરતામાં ભક્તો ઉપવાસ રહ્યાં હોય ત્યારે ફુલવડીથી ભક્તો ઉપવાસ છોડીને ધન્ય બને છે મંદિરની બાજુમાં પૌરાણિક વાવમાં પણ માતાજીને ફુલવડીનો ભોગ ધરાવવામાં આવે છે. આમ સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક માત્ર મેઘરજના ગેલીમાતાના મંદિરે માતાજીને ફુલવડીનો પ્રસાદ ધરાવાય છે અને આ પ્રસાદથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.




