ઇડરના ડુંગરે ફાટી નિકળી આગ…વન વિભાગે હાથ કર્યા અધ્ધર…ફાયર બ્રિગેડ ઝઝુમે છે…
ઇડરના ડુંગરે ફાટી નિકળી આગ...વન વિભાગે હાથ કર્યા અધ્ધર...ફાયર બ્રિગેડ ઝઝુમે છે...
સાબરકાંઠામાં રાજકીય ગરમાવોની સાથે હવે દાવાનળ ફાટી નિકળ્યો છે. જિલ્લાના ઈડરમાં ગતરોજથી આગ લાગી છે અને હજુ તે કાબુમાં આવી શકી નથી. તેનું એક કારણ એ છે કે આગ વિકરાળ તો છે જ પણ ડુંગરમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે ભારે મહેનત કરવામાં આવી રહી છે અને ઇડરના ડુંગરમાં જંગલમાં દાવાનળ ફાટી નિકળ્યો છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું જણાય છે.
વિગતે જોઇએ તો સાબરકાંઠામાં પણ રૂપાલા ઇફેક્ટને કારણે ક્ષત્રિયો નારાજ છે અને ગૃહમંત્રી સાથેનવની બેઠકમાં ક્ષત્રિયોએ પાણી સુધ્ધા પીધુ નહોતુ અને પોતાની રજૂઆત કરીને બહાર નિકળી ગયા હતા. એક તરફ રાજકીય ગરમાગરમી અને માથે ઉનાળાની ગરમીમાં ઇડરના ડુંગર પર આગ ન લાગે તો જ નવાઇ લાગે એમ વળી કોઇ હળવાશથી કહી શકે.
આગ લાગ્યાની સ્થાનિક વન અધિકારીને જાણ કરાતા તેમણે ઓછા સ્ટાફ હોવાનું તેમજ ડુંગર તાલુકા પંચાયત હદ વિસ્તારમાં આવતો હોવાનું બહાનું આગળ ધરીને હાથ અધ્ધર કરી નાંખ્યા છે. આ આગનું દિવસ કરતા રાત્રે દરમિયાન પ્રમાણ વધ્યું હતું. એવી ભીતી છે કે જો આગ યથાવત રહે તો તળેટીમાં રહેનારા લોકો માટે જોખમ વધી શકે છે તેની સાથે વન્ય જીવો માટે પણ આ આગ ખતરા રૂપ નિવડી શકે તેમ છે….
ડુંગર ઉપર લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સ્થાનિક લોકો પણ આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની મદદે આવ્યા. છે. જો આગ આગળ વધશે તો સમગ્ર ડુંગર આગની ઝપટમાં આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.




