લોકસભાની ચૂંટણી અગાઉ દેશના રાજકારણમાં નવા જૂનીનો દોર ચાલુ છે.કેટલાય રાજકીય નેતાઓ પક્ષ પલ્ટો કરી પોતાનું હિત સાધતાં હોય છે. જેમાં ગુજરાતમાં પણ અત્યારે પક્ષ પ્લટાનો દોર ચાલી રહ્યો છે ,હાલ પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું પડે તેવી શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જૂન મોઢવાડિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી શક્યતો છે. ઉપરાંત તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તે ચર્ચાએ પણ જોર પકડ્યું છે.આ સમાચારથી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.
લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામાનો સિલસિલો યથાવત રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવા સમાચારથી રાજકારણ ગરમાયું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મોઢવાડિયા ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે. 5000થી વધુ સમર્થકો સાથે મોઢવાડિયા ભાજપમાં જોડાશે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.
22 જાન્યુઆરીના રોજ ભવ્ય શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ નેતાના હાજર ન રહેવાના હાઈકમાન્ડના નિર્ણય બાદ પોરબંદરના ધારાસભ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને પાર્ટીના આ નિર્ણયને વખોડી કાઢ્યો હતો. ટ્વિટમાં જણાવ્યું કે, ભગવાન રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે.
હાઈકમાન્ડે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. અર્જુન મોઢવાડિયા ભારતના પોરબંદર ગુજરાતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી છે. તેઓ 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા. તેઓ 2 માર્ચ 2011 થી 20 ડિસેમ્બર 2012 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ગુજરાત પાંખના પ્રમુખ હતા.




