પોલીટીક્સઃ બરોડાનો ક્રિકેટર યુસુફ પઠાણ બંગાળમાં ચૂંટણી લડશે…નામ જાહેર થયું…
પોલીટીક્સઃ બરોડાનો ક્રિકેટર યુસુફ પઠાણ બંગાળમાં ચૂંટણી લડશે...નામ જાહેર થયું...
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીએ I.N.D.I.A. ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ કે કોઇ અન્ય પક્ષ સાથે સીટ વહેંચણીની સમજૂતી ન થતાં એકલા ચાલો રેની નીતિ અપનાવી છે. આ સાથે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જે કોંગ્રેસ માટે પણ મોટો ઝટકો મનાઈ રહ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસની આ યાદીમાં ચોંકાવનારું નામ ગુજરાતના જાણીતા ક્રિકેટ બંધુ પૈકી એક ઈરફાન પઠાણના ભાઈ યુસુફ પઠાણનું નામ છે. તેમને બરહામપુરની બેઠક પરથી લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે બીજી બાજુ સંસદમાંથી બરતરફ થયેલા પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાને ફરી એકવાર ક્રૃષ્ણનગરની બેઠક પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દરમિયાન મમતા બેનરજીની પાર્ટીએ આજે પ.બંગાળની રાજધાની કોલકાતાના બ્રિગેડ મેદાનમાં એક મોટી રેલીનું આયોજન કરીને ત્યાં આ યાદી જાહેર કરી હતી. ટીએમસીના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે ભાજપ પાસે ઈડી, સીબીઆઈ અને કોર્ટ છે, જ્યારે અમારી પાસે લોકોનું સમર્થન છે. અમારી લડાઈ ફક્ત ભાજપથી નહીં પરંતુ ડાબેરી અને અધીર ચૌધરીના નેતૃત્વ હેઠળની બંગાળ કોંગ્રેસ સાથે પણ છે.
તૃણમૂલ સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે લોકો ઘણી બધી વાતો કહી રહ્યા છે, જેમ કે નેતાઓની હિજરત બાદ તૃણમૂલનો સફાયો થઈ જશે. આજે તૃણમૂલ બ્રિગેડનો કાર્યક્રમ નથી, પરંતુ ગરીબોનો કાર્યક્રમ છે. કેન્દ્ર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે 100 દિવસ સુધી આ યોજના હેઠળ કામ કર્યા પછી પણ બંગાળના 59 લાખ લોકોનું ફંડ રોકી દેવામાં આવ્યું. મમતા બેનરજી સરકારે તેમની બાકી રકમ ચૂકવી દીધી. આ બ્રિગેડ એવા 11.36 લાખ પરિવારો માટે છે જેમને ભાજપના ભંડોળ રોકવાના નિર્ણયને કારણે ઘરો નથી મળ્યા. આ ભાજપના વિસર્જનને સુનિશ્ચિત કરનારી બ્રિગેડ છે.




