કાર્યવાહીઃ સંસદની સુરક્ષામાં બેદરકારી બદલ 8 સુરક્ષાકર્મીઓ સસ્પેન્ડ…..
કાર્યવાહીઃ સંસદની સુરક્ષામાં બેદરકારી બદલ 8 સુરક્ષાકર્મીઓ સસ્પેન્ડ.....
સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી દેશનું રાજકારણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. જેથી લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ આ સુરક્ષા ચૂક મામલે કાર્યવાહી કરતાં 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્ર સામેલ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બે યુવાનો દર્શકોની ગેલેરીમાંથી કૂદીને સંસદમાં પ્રવેશી ગયા હતા અને તેમણે સ્મોક બોમ્બ વડે ગૃહને માથે લઈ લીધું હતું. સાંસદોએ ત્યારબાદ તેમને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કરી દીધા હતા. જ્યારે સંસદની બહાર પણ દેખાવ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે વધુ બે લોકોની સંડોવણીનો ખુલાસો થયો હતો જેમાંથી એકની ધરપકડ કરાઈ હતી અને એક હજુ ફરાર ચાલે છે.
મળતી માહિતી મુજબ કુલ 8 કર્મચારીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓ સંસદ ભવનના સિક્યોરિટી સ્ટાફના સભ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ બધા કર્મચારીઓ એ જ જગ્યાએ પોસ્ટિંગ પર હતા જ્યાંથી આરોપી યુવકોએ સંસદમાં એન્ટ્રી કરી હતી. આ આદેશ લોકસભા સચિવાલય તરફથી જાહેર કરવામાં આવ્યો હતો.




