બિઝનેસઃ આઇટી રિટર્ન ભરશો તો લોન લેવાથી માંડીને ઘણા કામોમાં રહેશે સરળતા….
બિઝનેસઃ આઇટી રિટર્ન ભરશો તો લોન લેવાથી માંડીને ઘણા કામોમાં રહેશે સરળતા....
ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે રિટર્ન ફાઈલ કરશો નહીં તો ભવિષ્યમાં તમે અમુક લાભોથી વંચિત રહેશો અને જો રિટર્ન ભરેલું હશે તો તમને ચોક્કસ લાભ થશે. જો તમારી આવક ઈનકમ ટેક્સ રિટર્નની મર્યાદા કરતાં ઓછી હોય તો પણ NIL અર્થાત ઝીરો રિટર્ન ફાઈલ કરી તમે અનેક લાભ લઈ શકો છો. તમે સરળતાથી લોન લઈ શકો છો. વિદેશ જવા માગતા હોવ તો વિઝા પ્રોસેસને ઝડપી બનાવી શકો છો.
આઈટીઆર તમારી આવકનો પુરાવો છે. જે તમામ બેન્ક અને નાણાકીય સંસ્થાઓમાં આવકના પુરાવા તરીકે સ્વીકાર્ય છે. જો તમે બેન્ક લોન લેવા માગતા હોવ તો તમારે બેન્કમાં આવકના પુરાવા તરીકે આઈટીઆર રજૂ કરવુ પડે છે. જેથી જો તમે નિયમિત આઈટીઆર ફાઈલ કરતા હશો તો તમને બેન્ક સરળતાથી લોન આપે છે. અન્ય સેવાઓ પણ હાંસલ કરી શકો છો. જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હોવ તો તમારે વિઝા માટે અરજી કરતી વખતે આઈટીઆર ફાઈલિંગનો ડેટા બતાવવાનો હોય છે.
ઘણા દેશોની વિઝા ઓથોરિટી તો વિઝા માટે 3થી 5 વર્ષના આઈટીઆર માંગતી હોય છે. તેઓ આઈટીઆર દ્વારા આપણી નાણાકીય સ્થિતિ ચકાસતા હોય છે. જો તમારી આવકમાંથી સીધો ટેક્સ કપાતો હોય તો તેના રિફંડ માટે તમારે આઈટીઆર ફાઈલ કરવુ જરૂરી છે. આવક ભલે ઈનકમ ટેક્સની મર્યાદા હેઠળ ન હોય પરંતુ ટીડીએસ સહિતના રિફંડ આઈટીઆર રિફંડ ફાઈલ કર્યા વિના મેળવી શકાય નહીં.
આઈટીઆરને તમારી કમાણીના પુરાવા તરીકે રજૂ કરવા ઉપરાંત તમે એડ્રેસ પ્રુફ તરીકે પણ રજૂ કરી શકો છો. જો તમે શેર તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં હોવ અને તેમાં ખોટ કરી હોય તો આઈટીઆર મારફત તે ખોટને આગામી વર્ષે કેરિ ફોરવર્ડ કરી શકો છો. જો આગામી વર્ષે મૂડી લાભ થાય તો કેરિ ફોરવર્ડ કરેલી ખોટ તેમા સરભર થઈ જશે. જેથી તમને મૂડી લાભ પર ચૂકવવામાં આવતા ટેક્સ પર છૂટ મળશે.




