ઉતરખંડના બહુ ચર્ચિત બાબા તરસેમ સિંહ હત્યાકાંડનો મુખ્ય આરોપી શૂટર અમરજીત હરિદ્વારના ભગવાનપુર વિસ્તારમાં ઉત્તરાખંડ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સાથે અથડામણમાં ઠાર મરાયો છે. ઉત્તરાખંડના DGPએ આ વાતની પૃષ્ટી કરી છે. બનાવની વિગત મુજબ નાનકમત્તા ગુરુદ્વારાના કારસેવા પ્રમુખ બાબા તરસેમ સિંહની 28 માર્ચે ઉદ્યમ સિંહ નગરમાં અજાણ્યા બાઇક સવાર દ્વારા હુમલો કરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ઉત્તરાખંડના DGP અભિનવ કુમારે જણાવ્યું કે એક લાખ રૂપિયાના ઇનામી શૂટર અમરજીત સિંહ ઉર્ફ બિટ્ટુ ઉત્તરાખંડ એસટીએફ સાથે થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે જ્યારે તેનો સાથી ફરાર થઇ ગયો હતો. ડીજીપીએ કહ્યું કે ઉત્તરાખંડ એસટીએફ અને હરિદ્વાર પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે જણાવ્યું કે અમરજીત સિંહ પર 16થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.
આ પહેલા રવિવારે ઉદ્યમ સિંહ નગરના એસએસપીએ બન્ને ફરાર શૂટરો અમરજીત સિંહ અને સરબજીત સિંહ પર ઇનામી રકમ 50 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરી દીધી હતી. પોલીસ દ્વારા આ હત્યાકાંડ મામલે અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તે કથિત રીતે ગુનેગારોને ભેગા કરવા, સંસાધન ઉપલબ્ધ કરાવી અને હથિયારો પુરા પાડીને ક્રાઇમ કરવામાં સામેલ હતા.
DGPએ કહ્યું હતું કે બાબા તરસેમ સિંહની હત્યાને ઉત્તરાખંડ પોલીસે પડકારના રૂપમાં લીધી છે અને બન્ને હત્યારાઓને શોધવાનો પ્રયાસ સતત એસટીએફ અને પોલીસ કરી રહી છે. ડીજીપીએ કહ્યું કે જો ગુનેગાર ઉત્તરાખંડમાં આ રીતે ગુના કરશે તો પોલીસ તેમની સામે કડકાઇથી પગલા ભરશે.




