મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીના વલણોથી ભાજપ ફરી એક વખત મોટી જીત હાંસલ કરતી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ બે દાયકાથી ભાજપ સરકાર ચલાવી રહી છે. જોકે આ વખતે જીતની આશા ધરાવતી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તજજ્ઞોના મતે ભાજપની લીડમાં અડધી વસ્તીએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે જ મામામાંથી ભાઈની ઈમેજમાં આવેલા શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપનું નસીબ ચમકી ગયું.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરીમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણી આગળ દેખાઇ રહી છે. આવી સ્થિતિમાં ભાજપ રાજ્યની 230 બેઠકો પર મોટી જીત હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે. આ જીત તરફના રસ્તા પર ભાજપની ‘લાડલી બહેન’ યોજનાનો મહત્વનો ફાળો હોવાનું માનવામાં આવે છે.
પોતાને ‘મામા’ ગણાવતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ વખતે લાડલી બહેન યોજના શરૂ કરીને એક મોટું પગલું ભર્યું છે. આ અંતર્ગત તેમણે રાજ્યની કરોડો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. જે વધારીને રૂ. 1250 કરવામાં આવી છે અને ધીમે ધીમે આ રકમ રૂ. 3000 સુધી લઇ જવાની ખાતરી આપવામાં આવી હતી.
મધ્યપ્રદેશમાં અડધી વસ્તી માટે શરૂ થયેલી યોજનાઓ એટલે કે ભાજપની સફળતામાં મહિલાઓનો મોટો ફાળો છે. શિવરાજ સિંહ ચૌહાણે પોતે કહ્યું હતું કે, લાડલી બહેન, લાડલી લક્ષ્મી, નાગરિક ચૂંટણીમાં 50 ટકા અનામત, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના યોગ્ય રીતે લાગુ કરવામાં આવી છે. તેની અસરને કારણે, બેટી બચાવો-બેટી પઢાવો જેવા અભિયાનો અને ભરતીમાં 35 ટકા અનામતનો લાભ આપવાથી બહેનોએ ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા છે.




