મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ટેટ અને ટાટને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત ટાટ-1 અને ટાટ-2માં નવી 7,500 ભરતી કરવામાં આવશે. સરકારી નોકરી લેવા માંગતા ઉમેદવારો માટે સૌથી આનંદના સમાચાર એ છે કે 7500 જેટલી આ ભરતી આગામી ત્રણ માસમાં જ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ટેટ અને ટાટના ઉમેદવારો કાયમી ભરતીને લઈ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યાં છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવતા ઉમેદવારોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં 18 હજાર જેટલી ભરતી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે નવી 7,500 ભરતી પ્રથમ વખત કરવામાં આવશે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT- Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.




