કબૂતરબાજી : અમેરિકા મોકલવાનું કહીને વીઝા એજન્ટે કરી 40 લાખની છેતરપિંડી…..
કબૂતરબાજી : અમેરિકા મોકલવાનું કહીને વીઝા એજન્ટે કરી 40 લાખની છેતરપિંડી.....
ગાંધીનગરના કલોલમાં રહેતા જીતેન્દ્રભાઇને અમેરિકા નોકરી માટે જવાની ઇચ્છા હોવાથી તેમના એક સહકર્મચારીએ મહેસાણાના જોરંરણ ગામમાં રહેતા ભાવેશ પટેલનો સંપર્ક કરાવ્યો હતો. ભાવેશે દાવો કર્યો હતો કે તેણે અનેક લોકોને અમેરિકામાં મોકલીને ગ્રીનકાર્ડ અપાવ્યા છે. જે બાદ તે જીતેન્દ્રભાઇને લઇને ઘાટલોડીયામાં આવેલા સત્યા-૨ કોમ્પ્લેક્સ સ્થિત બોર્ન ટુ ફ્લાય નામની ઓફિસ પર લઇને આવ્યો હતો.
આ ઓફિસમાં મિહિર પટેલે જીતેન્દ્રભાઇને તેમના પત્ની અને પુત્ર સાથે કાયદેસર અમેરિકા સેટ કરવાની ખાતરી આપીને એક કરોડની ડીલ કરી હતી. જૈ પૈકી 25 લાખ એડવાન્સ માંગ્યા હતા. આ ઉપરાંત, ટિકિટ , વિઝા અને હોટલ ખર્ચના નાણાં પણ અલગથી લેવાનું નક્કી કર્યુ હતું.
જીતેન્દ્રભાઇ અને તેના પરિવાર સાથે ભાવેશ પટેલ પણ બેંગકોક આવ્યો હતો. ત્યાં પાંચ દિવસ રહ્યા બાદ ભાવેશે જણાવ્યું હતું કે બેંગકોકથી અમેરિકાના વિઝા થઇ શકે તેમ નથી.જેથી હવે મોરક્કો જઇને વિઝાની પ્રક્રિયા કરવી પડશે. પરંતુ એજન્ટે જીતેન્દ્રભાઈની મોરક્કોની ફ્લાઇટની ટિકિટ કરાવી આપીને પોતે ભારત આવી ગયો હતો.
જીતેન્દ્રભાઈ મોરક્કો એરપોર્ટ પર પહોચ્યા ત્યારે ઇમીગ્રેશન વિભાગમાં જાણવા મળ્યું હતું કે મિહિર પટેલે જે હોટલમાં બુકિંગ કરાયું હતું તેવી કોઈ હોટલ અસ્તિત્વમાં જ નથી.જેથી કલાકો સુધી જીતેન્દ્રભાઇ અને તેમના પરિવારની ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટે પૂછપરછ હાથ ધરી હતી.
તે પછી મિહિર પટેલને આ અંગે જાણ કરતા તેણે મોરક્કોમાં એક ફ્લેટમાં ભાડે રહેવા માટે મોકલી આપ્યા હતા. જ્યાં ચાર મહિના સુધી જીતેન્દ્ર ભાઈ અને તેમનો પરિવાર રોકાયો હતો. ત્યારબાદ પણ અમેરિકાના વિઝાની પ્રોસેસ થતી નહતી. બીજીતરફ જીતેન્દ્રભાઇ તેમજ તેમના પુત્રની તબિયત લથડવા લાગી હતી. જેથી જીતેન્દ્ર ભાઈએ એજન્ટ મિહિરને ફોન કર્યા હતા.
પરતું એજન્ટે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. યેનકેન પ્રકારે એજન્ટ સાથે વાત થતા તેણે જીતેન્દ્રભાઈ અને તેમના પરિવારને સાલ્વાડોરમાં જવું પડશે અને નહી જાઉં તો પોલીસમાં પકડાઈ દેવાની ધમકી આપવાનું શરુ કરી દીધું હતું. જેથી ડરીને જીતેન્દ્રભાઇ અને તેમનો પરિવાર સાલ્વાડોર જવા તૈયાર થયા હતા. એજન્ટ મિહિરે તેમને બનાવટી એર ટિકિટ મોકલી આપી હતી.
જે વાતની જાણ પરિવારને મોરક્કો એરપોર્ટ પર પહોંચીને થઇ હતી. જે અંગે મિહિર પટેલને ફોન કરતા તેણે બે હજાર ડોલર ટ્રાન્સફર કરીને મલેશિયા જવાનું કહ્યું હતું. જ્યાં પહોંચતા એક વ્યક્તિએ તેમને એક રૂમમા રહેવા માટે મોકલીને તમામના પાસપોર્ટ લઇ લીધા હતા. તે પછી ભાવેશ પટેલ પણ મલેશિયા આવ્યો હતો.
તેણે જીતેન્દ્રભાઇના પરિવારને રૂમમાં ગોંધી રાખ્યા હતા અને એક જ ટાઇમ જમવાનું આપતો હતો. આ દરમિયાન જીતેન્દ્રભાઇના વિઝા પૂર્ણ થઇ ગયા હોવાથી વધારાના વિઝા અપાવવા અને પાસપોર્ટ પરત કરવાના બદલામાં મિહિર પટેલે રૂપિયા 10 લાખની માંગણી કરી હતી.
જેથી જીતેન્દ્રભાઇના ભાઇ ભાવિકભાઇએ સોનાના દાગીના વેચીને 10 લાખ મિહિરના ભાઇ તુષાર અને તેના પિતા કૃષ્ણકાંત પટેલને ચુકવી આપ્યા હતા. ત્યારપછી જીતેન્દ્રભાઇને પાસપોર્ટ પરત આપ્યા હતા. પરંતુ, તેમને આપવામાં આવેલા સાત દિવસના વિઝા બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મલેશિયામાં ઓવરસ્ટેની પેનલ્ટી ભરીને જીતેન્દ્રભાઇ પરિવાર સાથે ભારત પરત આવ્યા હતા.
જે બાદ મિહિર પટેલ, તેના ભાઇ તુષાર પટેલ, પિતા કૃષ્ણકાંતભાઇ અને ભાવેશ પટેલ વિરૂદ્વ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.




