અહીં એક જીવન ધબકતુ હતું…પણ ભ્રષ્ટચારમાં તબાહ થઇ ગયું….
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 33 લોકોનાં મૃત્યુ થયાં છે. આગ વિકરાળ હોવાથી થોડી જ મિનિટોમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો. મૃતકો અત્યંત ખરાબ રીતે દાઝી ગયા હોવાથી તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાને કારણે રાજકોટના સ્થાનિક સત્તાવાળાઓ, ગેમ ઝોનના માલિકો, જવાબદાર અધિકારીઓથી લઈને ગુજરાત સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આટલી વિકરાળ આગ અંતે લાગી કઈ રીતે.
ગુજરાત સરકારે આગનાં કારણોની તપાસ માટે એસઆઈટી બનાવી છે. જાણકારો કહે છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનમાં સિમેન્ટ કોંક્રીટનું બાંધકામ જ નહોતું. ફાયર બ્રિગેડનું કહેવું છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ ફાયર સેફ્ટી અંગેની પરવાનગી નહોતી લીધી. હવે સવાલ એ થાય છે કે જો ફાયર સેફ્ટીની પરવાનગી નહોતી લીધી તો પછી આ ગેમ ઝોનનું સંચાલન કેવી રીતે થતું હતું અને જો થતું હતું તો તેને રોકવાનો પ્રયાસ કેમ ન થયો…
પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે 6 આરોપીઓનાં નામજોગ અને તપાસમાં જેમનાં નામ ખુલે તે તમામ સામે આઈપીસી કલમ 304, 308, 337, 338, 114, મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો પૈકી ધવલ કૉર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તથા રેસ વે ઍન્ટર્પ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સામે તપાસ શરૂ કરી છે. પોલીસ એફઆઈઆરમાં જણાવાયું છે, આ તમામ ઇસમોએ આશરે 50 મીટર પહોળું તથા આશરે 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ ઊંચું લોખંડ અને પતરાનું ફૅબ્રિકેશનની મદદથી માળખું ઊભું કરીને તેમાં ગેમ ઝોન બનાવી દીધો હતો.
પોલીસ એફઆઈઆરમાં એમ પણ જણાવાયું છે કે આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવાં કોઈ અસરકારક ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખ્યા વગર કે ફાયર બ્રિગેડની એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવવામાં આવતો હતો.




