Blog

ઈડર આત્મવલ્લભ હોસ્પિટલને આંખ વિભાગ માટે અદ્યતન સાધનોની ભેટ રોટરી ક્લબ અને એનઆરઆઈ દાતાઓ દ્વારા આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન

ઈડર આત્મવલ્લભ હોસ્પિટલને આંખ વિભાગ માટે અદ્યતન સાધનોની ભેટ રોટરી ક્લબ અને એનઆરઆઈ દાતાઓ દ્વારા આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન

ઈડર ખાતે વિશ્વ કલ્યાણ સોસાયટી સંચાલિત આત્મવલ્લભ હોસ્પિટલમાં આંખ વિભાગ માટે અદ્યતન સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૩ દરમિયાન રોટરી ફાઉન્ડેશન અમેરિકા તથા રોટરી ક્લબ વડાલી રાઉન્ડ ટાઉન સહિતના દાતાઓ દ્વારા આપવામાં આવેલા સાધનોના ઉપયોગથી અત્યાર સુધીમાં આશરે ૧૦ હજારથી વધુ લોકોની આંખોની તપાસ અને લગભગ ૧૭૦૦ જેટલા લાભાર્થીઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.સંસ્થાની જનસેવા પ્રવૃત્તિઓથી પ્રેરાઈને આ વર્ષે પણ રોટરી ક્લબ વડાલી રાઉન્ડ ટાઉન તેમજ અમેરિકામાં વસતા હંસાબેન વસંતલાલ સોની (મૂળ વતન વડાલી), નરસિંહભાઈ કેશરભાઈ દેસાઈ (મૂળ વતન ભદ્રેસર) અને મહેશભાઈ ગંગારામભાઈ પટેલ (મૂળ વતન હિંમતનગર) દ્વારા વધુ અદ્યતન સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. દાતાઓએ ભવિષ્યમાં સંસ્થાને આર્થિક મદદની જરૂર પડશે ત્યારે સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.

ઈડર ટાઉનહોલ ખાતે યોજાયેલા સમારોહમાં રોટેરિયન નિગમભાઈ સહિત મોટી સંખ્યામાં રોટરી સભ્યો હાજર રહ્યા હતા. સંસ્થાવતી ડૉ. દિનેશભાઈ પરીખે તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે સ્કૂલ ઓફ નર્સિંગમાં આ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ તથા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અજય જૈન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક અને જીવનોપયોગી આશીર્વચન આપવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button