
માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા ગોપાલ સ્નેક્સ લિમિટેડ અને શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોડાસાના રહિયોલ ખાતેના પ્લાન્ટ પર યોજાયેલા 20મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં 17 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
ગોપાલ સ્નેક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બિપીનભાઈ હદવાણીએ તેમના પિતા સ્વ.વિઠલભાઈ હરિભાઈના સેવાના સંસ્કારોને ઉજાગર કરી પ્રેરણા મૂર્તિ બનાવી જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને માન સન્માન સાથે પરણાવવા માટે સમૂહલગ્ન યોજીને માનવસેવા યજ્ઞ પ્રજ્વલિત કરી હતી. સમુકલગ્નની પરંપરા સમાજ માટે આશીર્વાદરૂપ બની રહી છે.
ગોપાલ સ્નેકસ લિમિટેડ દ્વારા અત્યાર સુધીમાં 780 થી વધુ દીકરીઓને પરણાવી માનભેર વિદાય આપી છે ત્યારે 20મા સમૂહલગ્નમાં 17 દીકરીઓને ઘર સંસારની ,જીવન જરૂરિયાતની 36 થી વધુ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપી દીકરીઓને સ્વમાનભેર વિદાય કરી હતી.
મોડાસાના રહિયોલ ખાતે આયોજિત 20 મા સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમાર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ અને ગોપાલ સ્નેકસ લિમિટેડના ડાયરેકટર બિપીનભાઈ હદવાણી , દક્ષાબેન હદવાણી સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપી દામ્પત્ય જીવન સુખમય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મોડાસાના રહિયોલ પ્લાન્ટ પર આયોજિત 20મા સમૂહ લગ્નમાં કોઈપણ ધર્મના નાતજાત ભેદભાવ વગર સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવના સેવાકાર્યમાં 17 કન્યાઓને કન્યાદાન સોના- ચાંદી તેમજ ઘરવખરીની 36 વસ્તુઓ અર્પણ કરીને અરવલ્લીની જનતાએ આ સેવા કાર્યને બિરદાવી હતી..
આ સમૂહલગ્ન પ્રસંગે ગોપાલ સ્નેકસના રહિયોલ પ્લાન્ટનો સમગ્ર સ્ટાફ ગરબા અને ટીમલીના તાલે ઝુમીને સમૂહલગ્નનો અનેરો આનંદ માણ્યો હતો. અને આગામી 11મીએ ગોપાલ નમકીન દ્વારા 21મા સમૂહલગ્ન રાજકોટ ખાતે યોજાવાનો છે. મોડાસાના રહીયોલના ગોપાલ નમકીન પ્લાન્ટ ખાતે સમૂહ લગ્નનું સમગ્ર સંચાલન સિનિયર મેનેજર કલ્પેશભાઈ પારેખ અને મેનેજર મુકેશભાઈ પટેલે અને એકઝીક્યુટિવ પ્રિયાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને 20 મા સમૂહલગ્નને સફળ બનાવ્યું હતું.




