વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના ઘટી છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. જેમાં 12 બાળકો ડૂબ્યાંની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટનાને પગલે બેદરકારી પણ સામે આવી છે કે, વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા
આ બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના વાઘોડીયા રોડ પર આવેલી ન્યૂ સન રાઇઝ સ્કૂલના બાળકોને આજે હરણી સ્થિત લેક ઝોન ખાતે પ્રવાસ માટે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બાળકોને બોટમાં ફરાવવામાં આવી રહ્યાં હતા. ત્યારે અચાનક બોટ તળાવમાં પલ્ટી ખાઇ જતા મોટી દર્ઘટના બનવા પામી હતી.
હરણી લેક ઝોન ખાતેના તળાવમાં ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બોટ પલટી મારતા લોકોના ટોળે ટોળા તળાવ પર ઉમટ્યા છે. હજુ વધુ માહિતી આવવાની શક્યતાઓ છે.




