સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પુછ્યું- શું મતદારોને વોટિંગ સ્લીપ ન આપી શકાય….?
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પુછ્યું- શું મતદારોને વોટિંગ સ્લીપ ન આપી શકાય....?
ભારતમાં શુક્રવારે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ફરી એક વખત મતદાન પહેલા EVMને લઈને સવાલો ઉભા થયા છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં EVM-VVPAT કેસની સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે ફરી એકવાર EVM-VVPAT હેક થવાની આશંકાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. જો કે સુપ્રીમ કોર્ટે પંચને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતવાર માહિતી આપવા જણાવવાનું કહ્યું હતું. આ પછી પંચે કોર્ટના તમામ સવાલોના જવાબ આપ્યા હતા.
વિપક્ષ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની સતત ટીકા કરી રહ્યો છે અને તેમનું કહેવું છે કે ઈવીએમને હેક કરી શકાય છે. આજે સુપ્રીમ કોર્ટમાં VVPAT સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લિપ સાથે ઈવીએમ દ્વારા પડેલા મતોને મેચ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. જજ સંજીવ ખન્ના અને જજ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે ‘આ એક ચૂંટણી પ્રક્રિયા છે. આમાં પવિત્રતા હોવી જોઈએ. કોઈને એવી આશંકા ન થવી જોઈએ કે જેની અપેક્ષા રાખવામાં આવે છે તે થઈ રહ્યું નથી. ચૂંટણી પંચ વતી એડવોકેટ મનિન્દર સિંહ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે અરજદારો વતી એડવોકેટ નિઝામ પાશા અને પ્રશાંત ભૂષણ હાજર રહ્યાં હતા.
આ કેસની સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ઓછામાં ઓછો એવો આદેશ આપવો જોઈએ કે VVPAT મશીન પારદર્શક હોવું જોઈએ અને તેમાં બલ્બ સતત ચાલું રહેવો જોઈએ, જેથી મતદારને સંપૂર્ણ પુષ્ટિ મળી શકે. એડવોકેટ સંજય હેગડેએ જણાવ્યું હતું કે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવા માટે વિચારણા કરવી જોઈએ. જો આમ નથી કરી શકાતું નથી, તો કોર્ટે હવે યોજાનારી ચૂંટણીની નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે કેટલાક વચગાળાના આદેશો આપવા જોઈએ.




