અનોખી આગાહીઃ આ શિયાળાની ઋતુ ઠંડી નહીં પણ ગરમ બની જશે….
અનોખી આગાહીઃ આ શિયાળાની ઋતુ ઠંડી નહીં પણ ગરમ બની જશે....
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ વખતે દેશભરમાં ગરમ શિયાળાની આગાહી કરવામાં આવી છે. જેમા તેમણે કહ્યું છે કે, આ શિયાળામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે હોઈ શકે છે. ગયો મહિનો એટલે કે ગત નવેમ્બર ભારત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ 1901 પછીનો ત્રીજો સૌથી ગરમ નવેમ્બર હતો.
આ વર્ષે, ફેબ્રુઆરી, ઓગસ્ટ અને નવેમ્બર ભારતમાં વર્ષ 1901 પછીના સૌથી ગરમ મહિના રહ્યા હતા. આ સાથે 2023 પૃથ્વી પરનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનવાના માર્ગે છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ‘અલ નીનો જેવા પરિબળો ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા પ્રાદેશિક પરિબળો અને બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતને કારણે દેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ શિયાળાની ઋતુ ગરમ બની જશે.
એક અહેવાલ અનુસાર, IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, નબળી અને ધીમી શીત લહેરો ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળાને વધુ ગરમ બનાવી શકે છે. વિષુવવૃત્તિય પેસિફિક મહાસાગરમાં સામાન્ય દરિયાની સપાટી કરતાં વધુ ગરમ તાપમાન સાથે તે અલ નીનો સ્થિતિ હાલમાં તેની ટોચ પર પહોંચી રહી છે. જ્યારે ગરમ શિયાળાની અન્ય અસરો પણ છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ પણ રહેશે. આ કારોણો પણ લઘુત્તમ તાપમાનમાં વધારો કરી શકે છે.




