અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસ હવે મેદાનમાં આવી ગઈ છે. કૉંગ્રેસના મુખ્ય ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોતે આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ કરીને જૂની પેન્શન યોજના અને ખેડૂતોને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેવાઓ અંગે પણ કૉંગ્રેસ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. અશોક ગહેલોતની જાહેરાત પ્રમાણે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસ પાર્ટી રાજસ્થાન મૉડલ અપનાવશે. ખાસ કરીને આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કિસ્સામાં પાડોશી રાજ્ય રાજસ્થાનનું મૉડલ અપનાવશે.
– તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર, પાંચ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો.
– એમઆરઆઈ, સીટી સ્કેન, બ્લડ ટેસ્ટ સહિત તમામ તપાસ ફ્રી થશે.
– કિડની, લીવર, હાર્ટ, બોનમેરો સહિત અંગોનું મફતમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
જૂની પેન્શન યોજના:
– કૉંગ્રેસે જાહેરાત કરી છે કે પહેલી જાન્યુઆરી, 2004 પછી નિમણૂક મળી હોય તેવા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગૂ પડશે.
અલગથી કૃષિ બજેટ:
– ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે.
– કૃષિ વીજળી કનેક્શન પર 1000 રૂપિયા પ્રતિ મહિનો સબસિડી મળશે.
રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓ ગુજરાતમાં લાગૂ થશે. અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી. જો 2022માં કૉંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે. રાજસ્થાનની ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં લાગૂ થશે.




