राष्ट्रीय

દિલ્હી-NCRમાં ઝમાઝમ વરસાદ…, 23 રાજ્યોમાં પાંચ દિવસ સુધી દે ધનાધન વરસાદ….

દિલ્હી-NCRમાં ઝમાઝમ વરસાદ..., 23 રાજ્યોમાં પાંચ દિવસ સુધી દે ધનાધન વરસાદ....

દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ગાઝિયાબાદ, નોઈડા અને સરહદી રાજ્ય ઉત્તર પ્રદેશ, હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં આજે સવારે ભારે વરસાદ થયો છે. ગાઝિયાબાદમાં સવારે 5.30 વાગ્યાની આસપાસ શરૂ થયેલા વરસાદે માત્ર 20-25 મિનિટમાં ઘણા વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ડુબી ગયા હતા. શાલીમાર ગાર્ડન મેઈનના ભારત માતા ચોકથી દિલ્હીના સીમાપુરી ડીટીસી બસ ડેપો સુધીનો માર્ગ પાણીમાં ડૂબી ગયો હતો. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં 23 રાજ્યોમાં ભારે વરસાદ પડશે.

દરમિયાન, નિયમિત વરસાદને કારણે લગભગ સમગ્ર દેશ ભીંજાઈ રહ્યો છે. આ વરસાદ પહાડી અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના નાગરિકો માટે આફત બની ગયો છે. ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે બંધ થયેલો બદ્રીનાથ હાઈવે 83 કલાક બાદ ખુલ્યો છે.

અહીં વિવિધ સ્થળોએ લગભગ 4500 મુસાફરો અટવાયા હતા. આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે પરંતુ હજુ પણ 12 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. આગામી પાંચ દિવસ સુધી દેશના 23 રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને વિભાગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે.

નેપાળમાંથી ભારે વરસાદ અને પાણી છોડાયા બાદ હવે ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પૂરની અસર ગંભીર બની રહી છે. બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, અયોધ્યા, આંબેડકર નગર, બારાબંકી, સીતાપુરના લગભગ 250 ગામો પૂરની ઝપેટમાં છે.

લખીમપુર ખેરીના 150, શાહજહાંપુરના 30, બદાઉનના 70, બરેલીના 70 અને પીલીભીતના લગભગ 222 ગામોની મોટી વસ્તી પૂરના પાણીથી ઘેરાયેલી છે. પૂર્વાંચલના બલિયામાં પણ ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યના 800થી વધુ ગામો પૂરની ઝપેટમાં છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં 13, 14, 17 અને 18 જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે. 1-12 જુલાઈની વચ્ચે, રાજ્યમાં 81.8 મીમી વરસાદ નોંધાયો છે, જે આ સમયગાળા દરમિયાન 85.6 મીમીના સામાન્ય કરતાં ચાર ટકા ઓછો છે. શુક્રવારે સૌથી વધુ 12.6 મીમી વરસાદ ધર્મશાળામાં નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેઘાલય, ગુજરાત, કોંકણ, ગોવા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ થયો છે. બિહાર, પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ થયો છે.

પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય આંધ્રપ્રદેશ, તટીય કર્ણાટક, આસામ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના પરબતસરમાં સૌથી વધુ 89 મીમી અને ધોલપુર જિલ્લાના સેપાઈમાં 65 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

Related Articles

Back to top button