ગૌતમ અદાણીએ ભારત અને એશિયાના સૌથી ધનાઢ્યનો તાજ મેળવ્યા બાદ હવે દેશના બીજા સૌથી મોટા બિઝનેસ સમૂહનો તાજ મેળવવા માટે અદાણી-અંબાણી વચ્ચે જંગ ચાલી રહ્યો છે. સોમવારના સત્રમાં બજારમાં કડાકા છતા અદાણી સમૂહના શેર ટકી રહેતા અદાણી ગૃપનું માર્કેટ વેલ્યુએશન મુકેશ અંબાણીના રિલાયન્સ સમૂહ કરતા વધી ગયું હતુ.
જોકે આ ખિતાબ મેળવ્યાના જ બીજા દિવસે એક રિસર્ચ રીપોર્ટે અદાણી સમૂહના વેલ્યુએશન પર મોટો સવાલ ઉભો કર્યો છે. રેટિંગ એજન્સી ફિચે એક ક્રેડિટ નોટમાં કહ્યું છે કે અદાણી ગ્રૂપ વધારે પડતું જ ઓવરલેવરેજ્ડ છે. આગામી સમયમાં બજારમાં પ્રભુત્વ હાંસલ કરવા માટે અદાણી ગ્રૂપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વચ્ચેની સ્પર્ધાને કારણે અમુક બિનજરૂરી અને અણધાર્યા ફાઈનાન્શિયલ નિર્ણયો લેવામાં આવી શકે છે.
જોકે ચેતવણી છતા ફિચે તેના કવરેજ હેઠળ બે અદાણી ક્રેડિટ્સ-અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ પર તેની “Market Perform” સલાહ બદલી નથી, તેને યથાવત રાખી છે.
અમારા મતે અદાણી સમૂહની ઘણી ગ્રૂપ કંપનીઓને તેમના ઉચ્ચ લેવરેજ સ્તરને ઘટાડવા માટે ઈક્વિટી મૂડીરોકાણ(Capital Infusion)ની જરૂર છે. પ્રમોટરની મોટી નેટવર્થ છતાં સતત લિક્વિડિટી સપોર્ટ પૂરો પાડવાની પ્રમોટરની ક્ષમતા કેટલી છે તેની આગાહી કરવી મુશ્કેલ છે.
બેંક ધિરાણકર્તાઓ અને સ્થાનિક બજારમાં તેમની પ્રતિષ્ઠા અને સ્ટેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રીમાં ડાયવર્સિફાઈડ એસેટ બેઝને લીધે તેમની લેવરેજ અને ક્રેડિટને સામાન્ય છૂટ આપી શકાય છે પરંતુ વેલ્યુએશન હાલ ખૂબ ઉંચા સ્તરે છે તેમ ફિચે ઉમેર્યું હતુ.
આ સિવાય પ્રમોટરોએ ગીરવે મુકેશ શેર અંગે જણાવ્યું કે અદાણી પરિવારે હાલમાં 6 લિસ્ટેડ કંપનીઓમાં ન્યૂનતમ હિસ્સો ગીરવે મૂક્યો છે, જેને કારણે આગામી સમયમાં ભંડોળની જરૂરિયાતને પગલે ફરી વધારે કોલેટરલ તરીકે ગીરવે મૂકવાનો અવકાશ છે.
ફિચે ચેતવણી આપી કે સૌથી ખરાબ કિસ્સામાં અદાણીની ડેટ-ફંડેડ ગ્રોથ પ્લાન એક મોટા દેવાની જાળમાં ફેરવાઈ શકે છે. આ અસમંજસતાની સ્થિતિમાં પણ બે અદાણી ક્રેડિટને “માર્કેટ પરફોર્મન્સ” રેટિંગ સાથે “remain cautiously watchful” આઉટલુક આપ્યું છે.




