મોરબીઃ શહેરનો ઐતિહાસિક ગણાતો એવો ઝૂલતો પુલ સમી સાંજે મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, તે સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા. પુલ તૂટતાં જ 400થી વધુ સહેલાણીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મહત્ત્વનું છે કે, તે સમયે રેસ્ક્યૂ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી માનવસાંકળ રચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.




