અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે ત્યાં બીજી તરફ જતા જતા અમુક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉલ્લેખનીય છે કે, 12મી ઓક્ટોબર સુધી હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે પણ અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો આજે પણ રાજ્યના અમુક જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન જોવા મળ્યું છે.
મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ધીમે ધીમે તડકા વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના શેલા, બોપલ રોડ પર ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. સવારથી જ આણંદમાં વરસાદી માહોલ જામ્યો છે.
આણંદના વિદ્યાનગર, કરમસદ, મોગરી, ગાના વગેરે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મહત્ત્વનું છે કે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. બીજી બાજુ ગાંધીનગરના અમુક વિસ્તારમાં પણ બપોર પછી વરસાદી માહોલ છવાયો હતો. માણસામાં બપોર પછી ભારે વરસાદને કારણે રસ્તાઓ નદી બન્યાં હતા અને વાહન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ હતી.




