અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન 2027 સુધીમાં દોડવા લાગશે….
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન 2027 સુધીમાં દોડવા લાગશે....
અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ રૂટનું પહેલું સ્ટેશન એટલે કે સાબરમતી સ્ટેશન બનવાની તૈયારી છે. 1.36 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલી 9 માળની ઇમારતની ડિઝાનની એક ઝલક વાઇરલ થઇ છે. આ બિલ્ડિંગ ભારતની પહેલી હાઇસ્પીડ રેલ લાઇન નોર્થ ટર્મિનલ રૂપે કામ કરશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન 2027 સુધીમાં દોડવા લાગશે તેવી આશા છે. બે બ્લોકમાં ફેલાયેલી 9 માળની ઇમારતના ત્રીજા ફ્લોર સાથે ભારતીય રેલવે સ્ટેશન, બીઆરટી બસ સ્ટેશન અને આગામી સમયમાં અમદાવાદ મેટ્રો ફેઝ 1ના એઈસી મેટ્રો સ્ટેશન સુધીની મલ્ટિ મોડલ કનેક્ટિવિટી હશે.
આ ઇમારતના પહેલા ત્રણ માળ અને બેઝમેન્ટનો ઉપયોગ વિશેષ રૂપે પાર્કિંગ માટે કરવામાં આવશે. તેમાં અંદાજે 1200 જેટલા વાહનોના પાર્કિંગની વ્યવસ્થા હશે. આ સાથે જ દુકાનો, ફૂડ કોર્ટ અને અન્ય મનોરંજન માટેના સાધનો સહિત વ્યવસાયિક ઉપયોગ માટે અંદાજે 31,500 વર્ગ મીટરનું ક્ષેત્ર રાખવામાં આવ્યું છે. સાબરમતી સ્ટેશનના સાતમા અને ચોથા માળ પર ટેરેસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યુ છે કે, આ આખા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અતિ આધુનિક અને શાનદાર સુવિધાઓ હશે અને સાથે એકમાત્ર ઊંચી ઇમારત હશે. ઇમારતના જુદા-જુદા માળ પર કુલ 60 રૂમની ક્ષમતાવાળી હોટેલ, રેસ્ટોરાં અને બાળકો માટે રમવાની જગ્યા પણ આપવામાં આવશે.




