દિલ્હીમાં આપ ધારાસભ્યોની કથિત જોડતોડ બાદ કેજરીવાલ સરકારે વિશ્વાસ મત લેવાનો નિર્ણય કર્યો હતો જે અનુસાર ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયું હતું. વિશ્વાસ મતના સમર્થનમાં મુખ્યમંત્રી સહિત 58 ધારાસભ્યોએ વોટ આપ્યાં હતા. જોવાની વાત એ છે વિશ્વાસ મતના વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો. 70 સભ્યો ધરાવતી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે. 58 ધારાસભ્યોએ સરકારના પક્ષમાં વોટિંગ કરતા આસાનીથી બહુમતી સિદ્ધ થઈ ગઈ હતી.
દિલ્હી વિધાનસભામાં કેજરીવાલ સરકારનો વિશ્વાસ મત પ્રસ્તાવ પાસ થઇ ગયો છે. અરવિંદ કેજરીવાલના વિશ્વાસ મતની તરફેણમાં 58 વોટ હતા (ડેપ્યુટી સ્પીકર માટે 1 વોટ અલગ છે એટલે કે કુલ 59 થયા) વિપક્ષમાં શૂન્ય મત પડ્યા હતા. આમ દિલ્હી વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ વિશ્વાસ મત પ્રસ્તાવ પાસ થયો છે.
વિશ્વાસ મત પર પ્રસ્તાવ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મનીષ સિસોદિયાએ દારૂ કૌભાંડમાં પૈસા ખાધા એવો આરોપ BJP દ્વારા લગાવવામાં આવ્યો, સીબીઆઈએ તપાસ કરી, કલાકો સુધી પૂછપરછ કરી, ઘર, બેંક લોકરની તપાસ કરી પણ કંઇ મળ્યુ નહી.
સીબીઆઈવાળા સંતુષ્ટ થઈને સિસોદિયાના ઘરેથી નીકળી ગયા. સિસોદિયા પર મનઘડત આરોપો લગાવવામાં આવ્યા હતા. સાચા ખોટા કેસ કરીને આ લોકોને મળે છે શું? બીજેપીનું ઓપરેશન લોટસ ફેલ થઇ ગયુ, તે અમારા ધારાસભ્યોને ખરીદી ના શકે.
કેજરીવાલે આગળ કહ્યું કે, સીબીઆઈ મનીષ સિસોદિયાના ઘરે ગઈ અને 14 કલાક સુધી શોધખોળ કરી પરંતુ કંઈ મળ્યું નહીં. કેટલાક લોકો કહેતા હતા કે, તેઓએ પ્રશ્નોના જવાબ આપ્યા નથી, પરંતૂ તેમને બધા જ સવાલોના જવાબો આપ્યા છે. સીબીઆઈ સંતુષ્ટ થઈ ગઈ.
ત્યારપછી સીબીઆઈવાળા મનીષ સિસોદિયાના ગામમાં ગયા અને ત્યાં પૂછ્યું કે શું મનીષ સિસોદિયાએ કોઈ પ્રોપર્ટી ખરીદી છે, પરંતુ કંઈ મળ્યું નથી. ત્યારબાદ તેઓ તેમના બેંક લોકરમાં જઈને તપાસ કરી કે ત્યાં કોઈ જ્વેલરી કે મિલકતના કાગળો હોઈ શકે છે, પરંતુ ત્યાં ભાભીના 70-80 હજારના નાના ઘરેણાં હતા. બધું તપાસ્યું અને કંઈ મળ્યું નહીં. PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર મનીષ સિસોદિયાને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે.
આગળ કેજરીવાલે કહ્યું કે, દુનિયામાં AAP પર સૌથી વધુ કેસ કરવામાં આવ્યા છે. કટ્ટર પ્રામાણિક પાર્ટીમાં મેં જોયુ છે કે, લોકો ઓછુ ભણેલા ગણેલા હોય છે, પરંતૂ કટ્ટ્રર ઇમાનદાર તો તે છે જેમાં ભણેલા ગણેલા IIT વાળા લોકો છે. કટ્ટર બેઇમાન પાર્ટી મિત્રો માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે. કટ્ટર ઇમાનદાર પાર્ટી ભારત માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે.
જ્યારે બેઇમાન પાર્ટી પોતાના મિત્રોને નંબર વન બનાવવા માંગે છે,જ્યારે ઇમાનદાર પાર્ટી દેશને નંબર વન બનાવવા માંગે છે, આજે અમે બે માંગ કરી રહ્યાં છે,પહેલા MLA ખરીદવાનુ બંધ કરો,પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરો અને બીજુ કે પોતાના મિત્રોના દેવાને માફ કરવાનું બંધ કરો.




