આપ પાર્ટી ખફાઃકેજરીવાલની પાર્ટીમાં જોડાયેલા પોલીસકર્મીઓની અટકાયત અને છૂટકારો..
આપ પાર્ટી ખફાઃકેજરીવાલની પાર્ટીમાં જોડાયેલા પોલીસકર્મીઓની અટકાયત અને છૂટકારો..
આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધી રહેલા વર્ચસ્વને કારણે ગુજરાત ભાજપમાં ચિંતા વધી રહી છે. પોલીસ ગ્રેડ પેના મુદ્દે સરકારની જાહેરાત પછી પણ પોલીસ કર્મચારીઓનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ છે. એક સસ્પેન્ડેડ હેડ કોન્સટેબલ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ AAPમાં જોડાવાની જાહેરાત કર્યા પછી ગણતરીના કલાકોમાં તેમની અટકાયત કરીને તેમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જો કે આપ પાર્ટીના ત્રણ વકીલો દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અટકાયતમાં લીધેલા ત્રણ પોલીસકર્મીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ત્રણ પોલીસ કર્મીઓને પોલીસ ઉઠાવી ગઇ હતી. ત્યારે પાર્ટીની લીગલ ટીમ જ્યેન્દ્ર અભવેકર તેમજ નાગેન્દ્ર મિશ્રાએ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પહોંચી પૂછપરછ કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વ્યાસ તપાસ કરતા હોવાની માહિતી મળી હતી. બાદમાં આપની લીગલ ટીમે મામલો કોર્ટ સુધી લઇ જવાની વાત કરતાં અટકાયતમાં લીધેલા ત્રણેય પોલીસકર્મીઓને છોડી મુક્યા હતા. દરમિયાર આપ પાર્ટીની લીગલ ટીમે આરોપ લગાવ્યો હતો કે આપમાં જોડાયેલા ત્રણેય પોલીસકર્મીઓને ભાજપના આકાઓના કહેવાથી ઉપાડી લઈ જવામાં આવ્યા હતા.
હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ગ્રેડ પેનો મુદ્દો ઉઠાવતા તેમની બદલી પોરબંદર ખાતે કરી દેવામાં આવી હતી. તેમના પિતા કેન્સરગ્રસ્ત છે, તેવી અરજી કરી તેમણે સ્વૈચ્છીક નિવૃત્તિની માગણી કરી હતી, પરંતુ તેમનું રાજીનામું સ્વીકારવાને બદલે તેમને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસના એલાઉન્સ વધારવાની સરકારની જાહેરાત પછી નરેન્દ્રસિંહે પોતાનું રાજીનામું ફેક્સ દ્વારા સંબંધિત અધિકારીઓને મોકલી AAPમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેમણે કેજરીવાલના હસ્તે AAP ખેસ પણ ધારણ કર્યો હતો.
નરેન્દ્રસિંહના પગલે કેટલાક વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓ પણ AAPમાં જોડાવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમને લઈ વિહ્વળ થયેલી સરકારે આ કર્મચારીઓની અટકાયત કરવાનો નિર્ણય કર્યો હતો. આમ તો સમગ્ર ઘટનાક્રમની અવગણના કરવી જોઈએ, પરંતુ સરકારના સલાહકાર એવા અધિકારીઓએ AAPમાં જોડાનાર કર્મચારીઓ સામે આકરા પગલાં લેવાની સલાહ આપતા, સલાહ અનુસાર નરેન્દ્રસિંહ સહિત કુલ ત્રણ પોલીસ કર્મચારીઓની અટકાયત કરી કોઈ અજ્ઞાત સ્થળે તેમને લઈ જવામાં આવ્યા હોવાની જાણકારી સૂત્રો તરફ મળી હતી. જોકે આપ પાર્ટીના ત્રણ વકીલો દ્વારા કાર્યવાહી કરી તેમનો છુટકારો મેળવ્યો હતો.




