સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નલિન કાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે કેન્દ્રિય સંચાર બ્યુરો –પાલનપુર દ્રારા ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ત્રિ-દિવસીય કાર્યક્ર્મ યોજાશે. જેમાં પ્રથમ દિવસે અમૃત મહોત્સવ અંતર્ગત ફોટો પ્રદર્શનનું ઉદઘાટન સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી એ જણાવ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન છેવાડાના માનવી સુધી પહોંચાડી તેમના દિલમાં દેશ ભાવનાને જાગૃત કરવાનો એક પ્રયાસ છે. આ પ્રયાસને આપણે સૌએ ભેગા મળીને સફળ બનાવી અને આઝાદીના અમૃત વર્ષમાં આપણે આ સ્વતંત્ર દિન ઘર ઘર તિરંગો લહેરાવી અમૃત મહોત્સવ ઉજવીએ.યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગૃત થાય આ અભિયાનનો ઉદેશ્ય છે. આપણો આ ૭૫મો સ્વાતંત્ર દિન દેશના દરેક ઘરે ઉજવાય તે આશયથી હર ઘર તિરંગા અભિયાન સાથે યુવાનો અને બાળકો ખાસ જોડાય તેવી ભાવના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાસ્ટિક પ્રતિબંધ માટે કાપડની બેગનું વિતરણ અને એક નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ‘હર ઘર તિરંગા’ અંતર્ગત શાળા કોલેજોમાં ચિત્ર સ્પર્ધાઓ, દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાના વિજેતા બાળકોને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેર અગ્રણી શ્રી સિદ્ધાર્થ ભાઈ પટેલ, મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી દિપેનભાઇ પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી મેઘાબેન ગોસ્વામી, સમાજ સુરક્ષા અધિકારીશ્રી મહેશભાઇ પટેલ અને મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી નશા મુક્તિ શપથ લીધા હતા.




