સાબરકાંઠા: જમીનમાં જીવતી દાટી દેવાયેલી નવજાત બાળકીનું અંતે નિધન…
સાબરકાંઠા: જમીનમાં જીવતી દાટી દેવાયેલી નવજાત બાળકીનું અંતે નિધન...
સાબરકાંઠા જિલ્લામાં રક્ષાબંધન (Raksha Bandhan)ના દિવસે જ માઠા સમાચાર આવ્યા છે. ગાંભોઈ (Gambhoi) ખાતે એક નવજાતને જમીનમાં જીવતી જ દાટી દેવાનો બનાવ સામે આવ્યો હતો. આ બાળકીનું સારવાર દરમિયાન નિધન થયું છે. સાબરકાંઠાના હિમતનગર (Himmatnagar) ખાતે બાળકીની સારવાર ચાલી રહી હતી. નોંધનીય છે કે ગાંભોઈ ખાતે બાળકીને એક ખેતરમાં જમીનમાં દાટી દેવામાં આવી હતી.
આ અંગે ધરપકડ કરાયેલા માતાપિતાએ એવુ કારણ આપ્યું હતું કે, અધૂરા માસે જન્મ થયો હોવાથી બાળકીને દાટી દેવામાં આવી હતીં. આ દરમિયાન કોઈનું ધ્યાન પડતા બાળકીને જમીનમાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકી NICU વિભાગમાં વેન્ટિલેટર પર હતી. બાળકીની સારવાર માટે પાટણથી પણ તબીબની ટીમ બોલાવવામાં આવી હતી. જોકે, સારવાર કારગર ન રહેતા અંતે બાળકીએ દમ તોડી દીધો છે
ચોથી ઓગસ્ટના રોજ સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. જ્યાં એક નવજાત દીકરીને જમીનમાં દાટી દેવામાં આવી હોવાની જાણ ખેતી કરતી મહિલાને થઈ હતી. ખેતી કરતી મહિલાએ 108ને ફોન કર્યો હતો અને સાથે UGVCL માં કામ કરનારા કર્મચારી દ્વારા 108 મારફતે નવજાત બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 108 માં બાળકીને પ્રથમ કુત્રિમ શ્વાસ અપાયા હતા તો પ્રાથમિક તબક્કે અધૂરા માસે દીકરી જન્મી હોય તેવો ખુલાસો થયો હતો.




