હિંમતનગરમાં ખુલ્લેઆમ ચાલતા જુગાર પર પોલીસનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા
હિંમતનગરમાં ખુલ્લેઆમ ચાલતા જુગાર પર પોલીસનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા

હિંમતનગર “બી” ડિવિઝન પોલીસે જુગાર વિરોધી અભિયાન હેઠળ મહત્વની કાર્યવાહી કરતાં કાટવાડ રોડ સ્થિત હરિનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ ગંજીપાનાં વડે રૂપિયા પર હાર-જીતનો જુગાર રમી રહેલા 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ગંજીપાનાં અને કુલ રૂ. 10,050નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારના ગુનાઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. વસાવા તથા સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં દિલીપભાઈ કાંતિભાઈ ભોઈ, શ્રવણભાઈ ડાહ્યાભાઈ ભાટ, દશરથકુમાર રૂપાજી મારવાડી (ભીલ), મુકેશભાઈ વસંતભાઈ બારોટ, ગોવિંદજી તગાજી મારવાડી (ભીલ) અને જગદીશભાઈ માફાજી મારવાડી (ભીલ)નો સમાવેશ થાય છે. તમામ હરિનગર, કાટવાડ રોડ, હિંમતનગરના રહેવાસી હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. પી. માળી તથા પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.




