Blog

મુલોજ ગામમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વિનોદભાઈ બ્રહ્મભટ્ટ....

મોડાસા તાલુકાના મુલોજ ગામે સિદ્ધાર્થ ફાઉન્ડેશન દ્વારા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવક-યુવતીઓ, મહિલાઓ તથા વડીલોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકસંસ્કૃતિ અને પરંપરાગત કળાના રંગોથી ગામનું વાતાવરણ સાંસ્કૃતિક માહોલમાં રંગાઈ ગયું હતું.

આ પ્રસંગે સરપંચશ્રી ડામોર સુશીલાબેન ભરતભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી ખાંટ સુરેશભાઈ વાલમભાઈ, સામાજિક આગેવાન શ્રી કનુભાઈ પટેલ તથા શ્રી વિશાલ આઝાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આવા કાર્યક્રમો ગામડાઓમાં સાંસ્કૃતિક વારસાના જતન અને યુવા પેઢીમાં સંસ્કાર તથા કલા પ્રત્યે રસ જાળવવા માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુંજન ગ્રુપના લોકસાહિત્યકાર રાજુભાઈ ઉપદેશી અને તેમની ટીમની લોકસાહિત્ય, ભજન, લોકગીતો તથા સંગીતની મનમોહક રજૂઆત રહી હતી. તેમની જીવંત અને ભાવસભર રજૂઆતથી ઉપસ્થિત સૌ ગ્રામજનો મંત્રમુગ્ધ બની ગયા હતા અને કલાકારોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

કાર્યક્રમના અંતે આયોજક સંસ્થા સિદ્ધાર્થ ફાઉન્ડેશન દ્વારા તમામ મહેમાનો, કલાકારો, સહયોગીઓ તથા ઉપસ્થિત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Related Articles

Back to top button