“ગુજરાતના વન વિભાગમાં મધરાતે મોટો ધડાકો: ટોચના અધિકારીઓને સાઇડલાઇન કરી તંત્ર પર ઉઠ્યા ગંભીર સવાલો”
“ગુજરાતના વન વિભાગમાં મધરાતે મોટો ધડાકો: ટોચના અધિકારીઓને સાઇડલાઇન કરી તંત્ર પર ઉઠ્યા ગંભીર સવાલો”

ગુજરાતના વન વિભાગમાં મધરાતે લેવામાં આવેલા તાબડતોબ અને કડક નિર્ણયોએ સમગ્ર પ્રશાસનમાં ભૂકંપ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર વન વિભાગના ટોચના પદાધિકારીઓને આ રીતે એકસાથે સાઇડલાઇન કરવામાં આવતા તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ, “જંગલોના રાજા” ગણાતા HOF એ.પી. સિંહને હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે IFS અધિકારી સંદીપ કુમારને પણ સાઇટ લાઇન કરી દેવાયા છે. આ ઘટનાને માત્ર ટ્રાન્સફર નહીં પરંતુ તંત્રની અંદર ચાલતી મોટી ખેંચતાણ અને સંભવિત ગડબડીઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
વધુમાં, બીટ ગાર્ડથી લઈને DCF અને IFS સ્તર સુધીની બદલી-બઢતી અને પોસ્ટિંગમાં પ્રભાવ ધરાવતા નાયબ સચિવ આસવ ગઢવીને અચાનક સચિવાલયમાંથી દૂર ભાવનગર ખસેડવામાં આવ્યા છે. ઉપ સચિવ ગોહિલને પણ સચિવાલય બહાર મુકવાનો ઓર્ડર મોડી રાત્રે જારી થતા બ્યુરોક્રેટિક વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.
આ સમગ્ર કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે વન વિભાગમાં કંઈક મોટું ચાલી રહ્યું હતું, જેના પગલે સરકારે એક સાથે કડક પગલાં લેવાની ફરજ પડી છે. છતાં, આ નિર્ણયોના ચોક્કસ કારણો હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી, જે તંત્રની પારદર્શકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
હાલમાં આ ઘટનાને “એડમિનિસ્ટ્રેટિવ સર્જરી” કે “પાવર સેટલમેન્ટ” તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું આ કાર્યવાહી પાછળ ખરેખર કોઈ ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ છુપાયેલો છે કે પછી માત્ર આંતરિક રાજકારણનું પરિણામ છે?
રાજ્યના વન વિભાગમાં થયેલા આ મોટા ફેરફારો હવે આગળ શું વળાંક લેશે તે પર સૌની નજર ટકી છે.




