જાદર પોલીસ મથકમાં કોને કોને ખબર હતી કે 10 લાખનો “તોડ” થવાનો છે…? જો ના તો…
જાદર પોલીસ મથકમાં કોને કોને ખબર હતી કે 10 લાખનો “તોડ” થવાનો છે...? જો ના તો...

સાબરકાંઠામાં સંખ્યાબંધ પોલીસ મથકો અને પોલીસ ચોકીઓ આવેલી છે. તેમાં રોજે રોજ કેટલાય ગુનાઓ નોંધાય છે અને અરજીઓ કરવામાં આવતી હોય છે. તેમાંથી કેટલાક ગુનામાં કે અરજીઓના સંદર્ભમાં લેતી દેતી થતી હોવાના આરોપો પોલીસ પર થતા આવ્યાં છે. અલબત આવી એક અરજીના સંદર્ભમાં ફરજ પરની પોલીસે લેતી દેતીનો પ્રયાસ કર્યો અને નક્કી કરેલી રકમમાંથી અમુક રકમ લીધી પણ ખરી, પરંતુ તેમને શંકા ઘિ કે આ એસીબીની ટ્રેપ છે ત્યારે લાંચની રકમ લઇને ફરાર થયાની રસપ્રદની સાથે વિચિત્ર ઘટના બની છે. એસીબી તેમના પૈસા લઇને ફરાર બે પોલીસકર્મીની તપાસમાં છે..!
પ્રાપ્ત માહીતી અનુસાર, ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી acb ની ઝપટમાં આવ્યાં છે. જાદર પોલીસ સ્ટેશન ખાતે કરાયેલી કોઇ અરજી પરત ખેંચીને તેનો નિકાલ માટે 10,00,000 (10 લાખ)ની માંગણી કરી હતી.
10માંથી પહેલા હપ્તા તરીકે 5 લાખ માટે લાંચની રકમ લેવા હિંમતનગર ઇડર હાઇવે પર આવેલી એક હોટલ પાસે આવ્યા હતા. પાર્ટીએ 5ને બદલે 4 લાખ લાવ્યો છું એમ કહીને વિનંતી કરી ત્યારે તેમને શંકા તો પડી કે એસીબીની ટ્રેપ લાગે છે તેમ છતાં તેઓ પણ જે મળ્યું તે લઇને એટલે કે ચાર લાખ લઈ પોતાની ગાડીમાં ફરાર થઇ ગયા હતા.
જે પોલીસકર્મીઓએ આ દુસાહસ કર્યું તેમના નામ હેડ કોસ્ટેબલ પિયુષ રામજીભાઈ પટેલ અને રમેશજી રાયચંદજી રાઠોડ છે અને એસીબીએ તેમની તપાસ હાથ ધરી છે.
અહીં સવાલ એ છે કે એક સાવ સામાન્ય ગ્રાંમિણ પોલીસ સ્ટેશનમાં બે પોલીસકર્મીઓ કોઇ કેસમાં તોડપાણી માટે 10 લાખ જેટલી ઉંચી રકમની માંગણી કરે તો તેમનામાં આટલી હિંમત ક્યાંથી આવે…શું તેમના ઉપર કોઇ ઉપરી અધિકારીના આશિર્વાદ હશે..?
આખા પોલીસ મથકમાં કોઇને સહેજે ગંધ જ ના આવે કે એક અરજી પરત ખેંચવાના કામ માટે 10 લાખની લાંચ લેવાની વાત થઇ રહી છે..? જે અરજી પરત ખેંચવાની છે તે અરજી કોની પાસે રહેતી હશે…શું આ બે પોલીસકર્મીઓ પાસે આવી અરજીઓની ફાઇલ રહેતી હશે..?
શું આલા અફસર કે અફસરોને સહેજ પણ વાત ન મળી કે તેમના પોલીસ મથકમાં એક અરજી પરત ખેંચવા માટે 10 લાખનો તોડ થવા જઇ રહ્યો છે…?
10 લાખમાંથી કેટલા ભાગ પડવાના હતા….એ તો ફરાર બે પોલીસકર્મી પકડાય અને આકરી પૂછપરછ થાય ત્યારે બહાર આવે કે પોલીસ મથકમાં કોને કોને કેટલા મળવાના હતા…? જો તેઓ કોઇને કોઇ ભાગ આપવાના નહોતા અને પોતે જ 10 લાખ ખાઇ જવાના હતા તો તેમની હિંમતને દાદ આપવી જોઇએ….!!




