સરકારી વકીલે કેસ પૂરવાર કરતાં પોક્સો કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની સજા…અને દંડ..
સરકારી વકીલે કેસ પૂરવાર કરતાં પોક્સો કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની સજા...અને દંડ..
સાબરકાંઠા જિલ્લા સ્પે. જજ અને એડી. સેશન્સ જજસાહેબની કોર્ટ(પોક્સો કોર્ટ) દ્વારા એક કેસમાં આરોપીને તકસીવાર ઠરાવીને 10 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે હિરેન એચ. ત્રિવેદીએ પુરાવા સહિતની ધારદાર દલીલો કરીને કેસ પૂરવાર કર્યો હતો.
વિગતે જોઇએ તો, આ કામના આરોપીએ તા. ૧૦/૦૧/૨૦૧૮ના રોજ ભોગ બનનાર ફરીયાદીની દીકરી ઉંમર-૧૬ વર્ષની સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં આરોપી અજયસિંહ અમરસિંહ પરમારે લગ્ન કરવાના ઈરાદે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ભોગ બનનાર સાથે શરીર સુખ માણી વારંવાર જાતિય હુમલો કરી બળાત્કાર સંભોગ કરેલો જેથી આરોપી વિરુધ્ધ ફરીયાદીએ હિંમતનગર ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ આપેલી હતી.
ત્યારબાદ પોલીસ અધિકારીએ આ બાબતે તપાસ કરી સાબરકાંઠા જીલ્લાના મે. સ્પેશ્યલ જજ (પોકસો ) મુ. હિંમતનગરનાઓની કોર્ટમાં ચાર્જશીટ કરેલું ત્યારબાદ ફરીયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલશ્રી એચ.વી.ત્રિવેદીનાઓએ રજુ કરેલ દસ્તાવેજી પુરાવા તથા ફરીયાદી, સાહેદો તથા તપાસ કરનાર અમલદારનો પુરાવો સોગંદપર રજુ કરેલો. આ કામે ફરીયાદી તથા સાહેદોએ ફરીયાદની હકીકત ને સમર્થન કરેલુ અને આ કામે સરકાર પક્ષે કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈ સમાજમાં અવાર નવાર સગીર દીકરીઓ પર બનતા આવા બનાવો ને ધ્યાને લઈ સાબરકાંઠા જીલ્લાના મે. સ્પેશ્યલ જજ (પોકસો કોર્ટ) શ્રી ડી.વી.શાહ સાહેબની કોર્ટમાં ચાલી જતાં ઉપરોકત કામે આરોપી અજયયસંહ અમરસિંહ પરમારનાઓને તા.૦૧/૦૪/૨૦૨૪ના રોજ ઈ.પી.કો.કલમ-૩૭૬ અને પોકસો એકટ ૨૦૧૨ ની ક.૫(એલ) અને ૬ અન્વયે સંયુકત રીતે દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર પુરા) નો દંડ અને આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
વધુમાં, આરોપી અજયસિંહ અમરસિંહ પરમારનાઓને ઈ.પી.કો.કલમ-૩૬૩ અન્વયે ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂા.૪,૦૦૦/– (અંકે રૂપિયા ચાર હજાર પુરા) નો દંડ અને આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
વધુમાં, આરોપી અજયસિંહ અમરસિંહ પરમારનાઓને ઈ.પી.કો.કલમ-૩૬૬ અન્વયે છ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૬,૦૦૦/- (અંકે રૂપિયા છ હજાર પુરા) નો દંડ અને આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
વધુમાં, આ કામના ભોગ બનનારને ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી, સાબરકાંઠા, હિંમતનગરનાઓ તરફથી વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ ૨૦૧૯ ના પેરા ૧૧(૩) ની જોગવાઈઓને આધીન ભોગ બનનારને રૂા.૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા છ લાખ પુરા) વળતર પટે ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે.




