અરવલ્લી જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકરો અને અગ્રણીઓ સાથે બેઠક કરવા આવેલા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની સામે વિરોધ પ્રદર્શન જોતા તેમને પાછલાં બારણે રવાના થવાની ફરજ પડી હોવાની ઘટનાએ પાર્ટીમાં ચકચાર જગાવી હતી.
વિગતે જોઇએ તો અગાઉ જેમને ટિકિટ માટે પસંદ કરાયા તે મેઘરજવાલે ભીખાજીના સમર્થકો કાર્યાલયના મુખ્ય ગેટ આગળ મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા.
કાર્યકરોએ ભીખાજીને જ ટિકિટ આપવાની માંગ સાથે, અન્ય કોઇને ટિકિટ અપાશે તો ચૂંટણી બહિષ્કારના સૂત્રોચ્ચારો પોકાર્યા હતા.
આમ સમર્થકો અને કાર્યકરોએ રસ્તા પર ભાજપના ખેસ અને ટોપીઓ ફેંકી દઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો.રાજકીય રીતે જોઇએ તો, આગમી કલાકોમાં શોભનાબેન સામે થઈ રહેલા વિરોધની આગ સાબરકાંઠા બેઠક ભાજપ માટે અગ્નિ પરીક્ષા સમાન નીવડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
જિલ્લા કાર્યાલયમાં યોજાનારી ભાજપ સંગઠન અને શહેર સંગઠનની બેઠક પણ વિરોધ પ્રદર્શનને કારણે મુલતવી રાખવાની ફરજ પડી હોવાની ચર્ચા થઇ રહી છે. તો શોભનાબેન સામે થઈ રહેલા વિરોધ અંગે જિલ્લા સંગઠન મગનુ નામ મરી પાડવા તૈયાર ન થતા લોકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. આમ સાબરકાંઠાની બેઠક ભાજપ માટે વટ નો સવાલ બની રહી છે.




