દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતા આજે નવા11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે.
દેશમાં આજે સૌથી વધુ 300 કેસ કેરળમાં, બીજા નંબરે કર્ણાટકમાં 13 કેસ, ત્રીજા નંબરે તમિલનાડુમાં 12 કેસ અને ચોથા નંબરે ગુજરાતમાં 11 કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2441 પર પહોંચી છે.
જ્યારે કર્ણાટકમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 92, તમિલનાડુમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 89 અને ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 45 છે પણ આજનો કેસ વધવાનો આંકડો ગુજરાત કરતા ઓછો છે.
અમદાવાદમાં ગઈકાલ સુધીમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા છે. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા છે. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ સંક્રમિત થયાં છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 12 પર પહોંચી છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે. ત્યારે રાજકોટ કોર્પોરેશને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં લોકોને બહાર જાવ ત્યારે માસ્ક પહેરો તેવો ઉલ્લેખ કર્યો છે.




