રાજ્ય સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉમેદવારોનો અવાજ બની રહ્યાં છે. રાજ્યમાં લેવાનારી સરકારી ભરતીઓની પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે યુવરાજસિંહ જાડેજાએ નવી પહેલ શરૂ કરી છે જેમાં કોઈ પણ વ્યક્તિ તેમનો સાથ આપી શકે છે.
સરકારી ભરતીમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર, કૌભાંડ બાબતે જો તમારી પાસે કોઈ પણ કાચી પાકી માહિતી હોય તો તમે યુવરાજસિંહ જાડેજાને જાણ કરી શકશો. યુવરાજસિંહ જાડેજાએ એક ગુગલ ફોર્મ જાહેર કર્યું છે જેમાં કોઈ પણ ઉમેદવાર તેની પાસે રહેલી ભરતી કૌભાંડ કે ગેરરીતિની માહિતી આપી શકશે.
સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવાનો પ્રયાસ આપણે જ કરવો પડશે, હવે આપણે જ આપણી સીટ બચાવવા આગળ આવવું પડશે અને રોકવું પડશે. તમારી કે તમારા ભાઈ/બહેનની મહેનતનો હકનો કોળિયો કોઈ છીનવી જતો હોય અને આપને ખ્યાલ હોઈ તો આપની રોકવાની નૈતિક જવાબદારી, ફરજ, અને ધર્મ છે. બીજાના ભરોસે ન બેસતા, તમારે જ તમારા માટે આગળ આવવું પડશે એવી મારી તમને ટકોર છે.
જેમની પાસે કોઈ ભરતી કૌભાંડ/ગેરરીતિ/અન્યાય વિશે માહિતી છે અને તેઓ આ માહિતી આપવા માંગે છે તો નીચેનું ગુગલ ફોર્મ ભરીને આપી શકે છે. દરેક વ્યક્તિ સાથે ફોનમાં વાત શક્ય ના બને એટલા માટે તથા બીજી કામની અને ઉપયોગી માહિતી છૂટી ન જાય એટલે માટે આ ફોર્મ ભરી આપ માહિતી આપી શકો છો. આપની તમામ માહિતી ગોપનીય રહશે.
જો કે તેની સામે એવી પ્રતિક્રિયા આવી છે કે કોઇએ સરકારી ભરતીમાં ગેરીતિની ગોપનીય માહિતી યુવરાજસિંહને આપી અને એ માહિતીનો દુરૂપયોગ થયો તો…? માહિતી લેનાર પોતે જ બારોબાર ફૂટી જાય તો..?
યુવરાજસિંહ, ખોટુ ન લગાડતા પણ આખરે તો તમે પણ માનવી છો, કોઇની ધાકધમકીમાં આવી ગયા તો જેમણે ગોપનીય માહિતી આપી એમની સુરક્ષાનું શું..?!




