गुजरातराष्ट्रीय

રક્ષક જ બન્યા ભક્ષક..? નળસરોવર પોલીસ સામે હાઇકોર્ટમાં રીટ, ગૃહ વિભાગમાં પણ ઘેરા પડઘા…

રક્ષક જ બન્યા ભક્ષક..? નળસરોવર પોલીસ સામે હાઇકોર્ટમાં રીટ, ગૃહ વિભાગમાં પણ ઘેરા પડઘા...

નિર્દોષ યુવાનોને ચોરીનો ગુન્હો કબુલાવા નળસરોવર પોલીસ દ્વારા 7 દિવસ ગોંધી રાખી ગુપ્તભાગમા ઇલેક્ટ્રિક શોટ આપવામા આવ્યા હોવાની વિગતો બહાર આવી છે અને આવા આક્ષેપો થઇ રહ્યાં છે. આ બાબતના ગૃહ વિભાગમાં પણ ઘેરા પડઘા પડ્યા હોવાના સમાચાર છે..

આ અંગેની હકીકત એવી છે કે એપ્રિલ 2023માં નળસરોવર પોલીસ સ્ટેશન માં એક ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધાયો હતો .પરંતુ મૂળ આરોપીયો ના પકડાતા સપ્ટેમ્બર 2023માં નળસરોવર પોલીસ દ્વારા બાતમીના આધારે ચોરીના આરોપસર 07 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા.

જેમની સામે IPC ની કલમ 457, 114 અને 380 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સાદા ડ્રેસમાં તેમના ઘરે આવીને પૂછપરછ કરવાની છે તેમ જણાવી નળસરોવર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં કસ્ટડીમાં આરોપીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

અરજદારોનું કહેવું છે કે, પોલીસે ધરપકડ કર્યાનાં 24 કલાકમાં આરોપીઓને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવાના હોય, પરંતુ આરોપીઓને 07 દિવસ ગેરકાયદેસર કસ્ટડીમાં ગોંધી રાખીને તેમની પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. એટલુ જ નહીં તેઓને ગુપ્તભાગોમાં વીજળીના શોટ આપવામાં આવ્યા હતા . નાકમાં પાણી રેડી દેવામાં આવ્યું હતું તેમજ પટ્ટો , ધોકા વડે ખુબજ માર મારવા આવ્યો હતો.

બાદમાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. સાણંદની કોર્ટમાં તેમને પોલીસ દ્વારા ગુજારાયેલ અત્યાચારનું નિવેદન પણ આપવામાં આવ્યું હતું. જ્યાં એક સરકારી હોસ્પિટલમાં તેમની શારીરિક તપાસ પણ થઈ હતી. જો કે અરજદારોનું કહેવું છે કે મેડિકલ ઓફિસરે શરીર પર ઇજા હોવા છત્તા ઇજા નથી તેમ સર્ટિફિકેટ બનાવીને આપ્યું હતું….

ઉપરાંત અરજદારોએ અમદાવાદ રૂરલ SP ને પણ પોલીસ અત્યાચાર બાબતે અરજી આપી હતી. પરંતુ એસપી દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા .આરોપીઓએ એક RTI પણ કરી હતી. જેમાં જણાવાયું હતું કે પોલીસે આરોપીને FIR ની નકલ આપવી જોઈએ કે નહીં ? પોલીસ આરોપીની ધરપકડ કરે ત્યારે તેના પરિવારને જણાવવુ જોઈએ કે નહીં ? રિમાન્ડ વગર પોલીસ આરોપી સાથે મારપીટ કરી શકે ? વગેરે. જો કે ઉપરોક્ત અરજીઓનો કોઈ જવાબ મળ્યો નહોતો. આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ, માનવા અધિકાર આયોગ અને અમદાવાદ જિલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો હતો.

આરોપીઓએ પોલીસ અત્યાચાર બાબતે એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે હાઇકોર્ટની અરજીમાં કહ્યું છે કે, તેમણે ચોરી નથી કરી પરંતુ પોલીસ જબરદસ્તી તેમની પાસેથી ગુન્હો કબૂલ કરાવી રહી છે. જેથી એડવોકેટ પ્રશાંત ચાવડા દ્વારા હાઇકોર્ટમાં ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને પણ પક્ષકાર બનાવીને પિટિશન દાખલ કરીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે . જેથી હવે હાઇકોર્ટ સામે સમગ્ર પુરાવા સુનાવણી સમયે મુકવામાં આવશે.

Related Articles

Back to top button