હિંમતનગર તાલુકાના સુરજપુરા પ્રાથમિક શાળાના બાળકોએ ગાંભોઈ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.
જીજ્ઞેશ સોની...
બાળક આવતીકાલનો નાગરિક છે. તેને સમાજના નીતિ નિયમો અને ભારતના બંધારણના કાયદાઓની સમજ હોવી જોઈએ. જે હેતુથી હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષણગણ દ્વારા શાળાના ધોરણ:- ૩ થી ૮ સુધીના કુલ ૧૦૦ બાળકોને શુક્રવારના રોજ ગાંભોઈ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી હતી. જ્યાં પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. જે.એમ.રબારી અને હાજર પોલીસ સ્ટાફે બાળકોને પોલીસની કામગીરી અને સમાજમાં પોલીસ નું શું મહત્વ છે. પોલીસ સમાજને કઈ રીતે ઉપયોગી થાય છે. પોલીસ કઈ રીતે ભારતના બંધારણીય કાયદાઓનું પાલન કરાવે છે. પોલીસ કઈ રીતે ગુનેગારોને ઝડપી સમાજમાં થતી ગુનાખોરીને અટકાવે છે. તે વિશે વિસ્તૃત જાણકારી બાળકોને પ્રદાન કરી હતી. બાળકોને ગાંભોઈ પી.એસ.આઇ. દ્વારા તેમના હૃદયમાં રહેલ પોલીસનો ડર દૂર કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિશે પણ સમજ આપી જાણકારી આપી હતી. બાળકોને પોલીસ મથકના અલગ-અલગ વિભાગો વિશે ઝીણવટ પૂર્વક સમજાવ્યું હતું. અને કોઈ ગુનેગાર ગુનો કરે તો તેને જેલમાં કેમ રાખવામાં આવે છે તેના કાયદા વિશે પૂરી જાણકારી આપી બાળકોને જેલ પણ બતાવવામાં આવી હતી. સાથે સાથે પોલીસ દ્વારા વપરાતા હથિયારો અને તેની વિશેષતા વિશે પણ બાળકોને માહિતગાર કરાયા હતા.




