અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસે રેડ કરીને સપાટો બોલાવ્યો છે. જેમાં પોશ સેટેલાઈટ વિસ્તારમાં એક જુગારખાનું ઝડપાયું છે. દરોડા દરમિયાન નિવૃત એડીશનલ ડીજીપીનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત પણ જુગાર રમતાં ઝડપાયો છે. પ્રાથમિક વિગતો મુજબ પોલીસે 13.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે ઝડપાયેલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ હાઇ પ્રોફાઇલ રેડમાં પોલીસે કામગીરી કરતા IPS અધિકારીઓમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.
અમદાવાદમાં પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતા પકડાયો છે. અમદાવાદમાં સેટેલાઈટ પોલીસે હોટલ માન રેસિડેન્સીમાં રેડ કરી હતી. આ દરમિયાન અહીં કુલ 9 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પૂર્વ એડીશનલ ડીજીપી હેમરાજ ગેહલોતનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત પણ જુગાર રમતાં ઝડપાયો હતો. જુગારધામ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ કેતન વ્યાસે ડી સ્ટાફને સૂચના આપી હતી. બાદમાં ડી સ્ટાફના પીએસઆઈ ડાભી અને તેમની ટીમે રેડ કરી જુગાર રમતા 9 લોકોને ઝડપી લીધા હતા.
હાઇ પ્રોફાઇલ જુગારધામ ઝડપાતા પોલીસ પર ચોતરફથી દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ પોલીસે કોઇ પણ જાતના દબાણમાં આવ્યા વગર કડક કાર્યવાહી કરીને તમામ આરોપીઓને ઝડપી 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, પોલીસે હાલમાં જ થલતેજના ન્યૂયોર્ક ટાવરના નવમાં માળે 92 નંબરની ઓફિસમાં રેડ કરીને હાઈપ્રોફાઈલ જુગારખાનું ઝડપી પાડ્યું હતું. જેમાં એપીએમસીના ચેરમેન ચેરમેન ખેંગાર મનજીભાઇ સોલંકી સહિત નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ જુગાર ખાનાના સ્થળે જુગારીઓ માટે સ્પા અને જમવાની વ્યવસ્થા પણ જોવા મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે 46.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પીસીબીએ રેડ કરીને તપાસ વસ્ત્રાપુર પોલીસને સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




