રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં નવા વાહનનાં વેચાણમાં મોટો વધારો રહ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટનું કાર વેચાણ 9 ટકા વધીને 25782 નું નોંધાયું હતું. ઓગસ્ટ 2022 માં આ સંખ્યા 23718 હતી.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સનાં ગુજરાતનાં ચેરમેન હિતેન્દ્ર નાણાવટીએ કહ્યું કે સમગ્ર દેશમાં નવા વાહનોનું વેંચાણ 9 ટકા વધ્યુ છે. તેની સરખામણીએ ગુજરાતમાં 29 ટકાનો વધારો છે.વધતી કમાણી તથા સારા વરસાદને કારણે રાજયભરમાં વાહનોનું વેંચાણ વધ્યુ છે. હવે આવતા દિવસો-મહિનાઓ તહેવારનાં છે. ત્યારે વેંચાણ વૃધ્ધિ દર યથાવત જળવાઈ રહેવાની શકયતા છે. સેમીક્ધડકટરની સપ્લાય દુર થવા સાથે ગ્રાહકો માટે આકર્ષક સ્કીમો જાહેર થવાના કારણોસર પણ ડીમાંડને વેગ મળ્યો હતો.
ફેડરેશનનાં કહેવા પ્રમાણે નવા હાઈબ્રીડ તથા સીએનજી મોડેલોને સારો પ્રતિસાદ મળવાના કારણોસર કાર વેચાણમાં પોઝીટીવ અસર છે. કાર ઉપરાંત ટુ-વ્હીલર વેચાણમાં પણ નોંધપાત્ર વધારાથી અગાઉની નુકશાની સરભર થઈ રહી છે. ઓગસ્ટમાં રાજયમાં 87134 યુનિટનું વેંચાણ થયુ હતું જે ગત વર્ષનાં ઓગસ્ટમાં 74982 નું હતું રાજયમાં ત્યાર સુધીનો ચોમાસાનો વરસાદ સારો થયો હોવાથી સેન્ટીમેન્ટ પોઝીટીવ હતું.
મુખ્યત્વે ગ્રામ્ય ડીમાંડ છે.તહેવારોનાં બુકીંગનું પ્રમાણ પણ સારૂ છે. સાથોસાથ ઈ-સ્કુટરનું બુકીંગ વૃધ્ધિદરને વેગ આપી રહ્યું છે. વિક્રેતાઓના કહેવા પ્રમાણે નવી કાર માટેનો વેઈટીંગ પીરીયડ નીચો આવી ગયો છે. એન્ટ્રી-લેવલ સ્તરે 30 થી 40 દિવસનો સ્ટોક છે. આ સેકટરમાં તહેવારો દરમ્યાન નવી ડીસ્કાઉન્ટ ઓફરથી વેચાણ વધારવાનાં પ્રયત્નો થઈ શકે છે.
તહેવારોની સીઝન શરૂ થતાની સાથે જ વાહનોનાં વેચાણમાં મોટો વધારો થવા લાગ્યો છે. ઓગસ્ટ માસનું વાહન વેચાણ 9 ટકા વધીને 1818647 નોંધાયુ હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસો.નાં રીપોર્ટ પ્રમાણે પેસેન્જર વાહનોનું વેચાણ 6.53 ટકા વધીને 315153, ટુ-વ્હીલર્સનું 6.29 ટકા વધીને 1254444 તથા કોમર્સીયલ વાહનોનું 3.23 ટકા વધીને 75294 નું હતુ. હવે તહેવારોની સીઝન છે તથા ગ્રામ્ય ડીમાંડ વધતા હોવાના સંકેતોથી આવતા ત્રણ મહિના વેચાણ વૃધ્ધિદર યથાવત રહેવાની શકયતા છે.




