સાબર ડેરીઃ ભાવફેરની રકમ એક સાથે ચુકવવા પશુપાલકોની રજૂઆતો…
સાબર ડેરીઃ ભાવફેરની રકમ એક સાથે ચુકવવા પશુપાલકોની રજૂઆતો...

સાબરકાંઠાના હિંમતનગર સ્થિત સાબર ડેરીમાં આજે મોટી સંખ્યામાં પશુપાલકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે બંદોબસ્તના ભાગરૂપે અગાઉથી જ પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવાયો હતો. તેમ છતાં તેમણે રજૂઆતો કરી હતી.
વિગતે જોઇએ તો, બે દિવસ પહેલા જાહેર કરેલા ભાવફેર બાબતે રજુઆત કરવા પશુપાલકો પહોંચ્યા હતા અને તેમની સાથે ભારતીય કિસાન સભા, સાબરકાંઠા અરવલ્લી જીલ્લા પશુ પાલક લડત સમિતિ સહિત પશુપાલકો જોડાયા હતા.
તેઓ દૂધના ભાવફેરની રકમ તાત્કાલિક અને એક સાથે ચુકવવાની માંગ સાથે રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. જો કે પોલીસ દ્વારા સાબરડેરીના મુખ્ય દરવાજે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવતા ગેટ આગળ ભારે સુત્રોચ્ચાર કરાયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું.
મોટી સંખ્યા જોઇને મુખ્ય દરવાજો પણ બંધ કરાયો હતો. નોંધનીય છે કે, ગઈ કાલે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં પશુપાલકો રજુઆત અર્થે પહોંચ્યા હતા.




