
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ભારતીય ક્રિકેટ બોર્ડનું નવું ફરમાન આવ્યું છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓને પણ ઘરેલું ક્રિકેટ રમવા માટે કહ્યું છે. બીસીસીઆઈ સચિવ જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે નેશનલ ટીમના ખેલાડીઓએ ફ્રી પડવા પર ઘરેલું ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેવાનું રહેશે. જોકે આમાં ત્રણ ખેલાડીઓને છૂટ મળી છે.
બીસીસીઆઈ સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ દેશ માટે ન રમે તો તેમણે ઘરેલું ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહેવું પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડ ઈચ્છે છે કે ટેસ્ટ ટીમના ખેલાડીઓ આગામી દિલીપ ટ્રોફીમાં ઓછામાં ઓછી એક મેચ જરૂર રમે. ઓગસ્ટમાં ભારતે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સામે ટેસ્ટ સિરિઝ રમવાની છે. એવામાં દિલીપ ટ્રોફીથી ખેલાડીઓની તૈયારી થઈ જશે.
બીસીસીઆઈનું કહેવું છે કે આ નિર્ણય રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ પર લાગુ થશે નહીં. બોર્ડે આ ત્રણ ખેલાડીઓને છૂટ આપી છે. બોર્ડનું કહેવું છે કે આ ત્રણ ખેલાડીઓ જાતે નિર્ણય કરે કે તેમણે ઘરેલું ક્રિકેટ રમવું છે કે નહીં. તેનો અર્થ સ્પષ્ટ છે કે બોર્ડ તરફથી આ ત્રણેય ખેલાડીઓ પર કોઈ પણ પ્રકારનું દબાણ રાખવામાં આવશે નહીં.
આ વખતે દિલીપ ટ્રોફી માટે સિલેક્શન ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ જ કરશે. દિલીપ ટ્રોફી માટે કોઈ ક્ષેત્રિય સિલેક્શન સમિતિ નથી. તમામ ટેસ્ટ રમનાર ખેલાડીઓનું તેમાં સિલેક્શન કરવામાં આવશે. રોહિત, કોહલી અને બુમરાહે તેમાં રમવું કે નહીં, તેનો નિર્ણય તેઓ પોતે કરશે. ગત વર્ષે બીસીસીઆઈએ માત્ર શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ઘરેલું ક્રિકેટ રમવા માટે કહ્યું હતું.




