સ્વાતિ માલિવાલના મામલે કેજરીવાલ પોતાના પીએના કારણે બરાબરના ફસાયા,
સ્વાતિ માલિવાલના મામલે કેજરીવાલ પોતાના પીએના કારણે બરાબરના ફસાયા,
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના બિભવ કુમાર આજે નેશનલ કમિશન ફોર વુમન(NCW) સમક્ષ હાજર રહેવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આપના રાજયસભા સાંસદ સ્વાતિ માલિવાલ સાથે બિભવ કુમારે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે તેમણે એનસીડબલ્યુ સમક્ષ આજે 11 વાગ્યે હાજર રહેવાનું હતું.
આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ આવાસ પર મારપીટના મામલે હાલ રાજકારણ ગરમાયું છે. આ મામલામાં પોલીસે ચાર કલાક સુધી માલીવાલ સાથે પૂછપરછ કરીને તેમનું નિવેદન નોંધ્યું હતું. તે પછીથી આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે પોલીસ કેજરીવાલના ઘર પર લાગેલા તમામ સીસીટીવી ફુટેજની તપાસ કરશે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, કેજરીવાલના ત્યાં જે કંપનીના સીસીટીવી લાગ્યા છે, તેમને પત્ર લખીને ફુટેજ લેવામાં આવશે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા તમામ સીસીટીવી ફુટેજને શોધીને પુરાવાને એકત્રિત કરવાનું કામ કરવામાં આવશે. દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે એફઆઈઆર થાય છે, તો તપાસ દરેક રીતે કરવામાં આવે છે. આ ઘટનામાં સામેલ દરેક વ્યક્તિની ભૂમિકા તપાસવામાં આવશે.
આ પહેલા ગુરુવારે રાતે માલીવાલનો લગભગ ત્રણ કલાક સુધી મેડિકલ ટેસ્ટ થયો હતો. જેમાં તેમનો એક્સરે અને સટી સ્કેન કરવામાં આવ્યો હતો. જોકે એમએલસીમાં માલીવાલના ચહેરા પર આંતરીક ઘા દેખાઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલના ઘરની બહાર 8 સીસીટીવી કેમેરા લાગેલા છે. આ બધાની તપાસ કરાશે. ઘટનાના દિવસે એટલે કે 13 મેના રોજ માલીવાલ કેટલા વાગ્યે સીએમ હાઉસ ખાતે પહોંચી હતી, તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. આ સિવાય સીએમ હાઉસના ગેટ પર કોણ-કોણ મળ્યું હતું, તે તમામના નિવેદન નોંધવામાં આવશે.




