राष्ट्रीय

વેલકમઃ ગણતંત્ર દિવસના મહેમાન બનશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન….મોદીજીએ આપ્યું આમંત્રણ….

વેલકમઃ ગણતંત્ર દિવસના મહેમાન બનશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન....મોદીજીએ આપ્યું આમંત્રણ....

નવા વર્ષ 2024ના ગણતંત્ર દિવસ 26 જાન્યારીની ઉજવણી માટે  અમેરિકાએ ના પાડતા હવે  ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ આ દિવસે ભારતના મુખ્ય અતિથિ બનશે. દેશના વડાપ્રધાન મોદી દ્વારા તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે, અને તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકારી પણ લીધું છે. અગાઉ કેન્દ્ર સરકારે યુએસ પ્રમુખ જો બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે જાન્યુઆરીમાં દિલ્હી આવવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. યાદ રહે કે ભારતે ફ્રાન્સ પાસેથી જ રાફેલ વિમાનો ખરીદ્યા છે.

રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ છઠ્ઠી વખત ફ્રેન્ચ નેતા મુખ્ય અતિથિ હશે. મેક્રોં પહેલા, 1976 અને 1998માં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના ભૂતપૂર્વ વડા પ્રધાન જેક શિરાક મુખ્ય અતિથિ હતા. તે જ સમયે, 1980માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડ ડી’એસ્ટિંગ, 2008માં નિકોલસ સરકોઝી અને 2016માં ફ્રાન્કોઈસ હોલેન્ડે મુખ્ય અતિથિ હતા. ભારત અને ફ્રાન્સ સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ, વેપાર, રોકાણ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ કરે છે.

PM મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા ફ્રાંસની મુલાકાત લીધી હતી. તે સમયે ભારતીય સેનાના 241 સભ્યોએ સમારોહમાં ભાગ લીધો હતો. જેનું નેતૃત્વ પંજાબ રેજિમેન્ટે કર્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં પણ આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી.

Related Articles

Back to top button