દુર્ઘટનાઃ મહાનદીમાં બોટ પલટતા 4ના મોત, 7 લોકો ગુમ……
દુર્ઘટનાઃ મહાનદીમાં બોટ પલટતા 4ના મોત, 7 લોકો ગુમ......
ઓડિશાના ઝારસુગુડામાં ગઈ કાલે એક ભીષણ દુર્ઘટના બની હતી. ઝારસુગુડાની મહાનદીમાં સાંજે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં મહાનદીમાં મહિલાઓ અને બાળકોને લઈ જતી બોટ અચાનક પલટી જતાં દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ બોટમાં લગભગ 50 મુસાફરો સવાર હતા. દુર્ઘટના ઘટી તે સમયે બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેઠા હોવાને કારણે તે પલટી ગઈ હોવાની વિગતો મળી રહી છે.
બોટ પાણીમાં પલટતા બનેલી ઘટનામાં 4મહિલાઓના મોત થયા છે. જ્યારે નદીમાં સાત લોકો ગુમ છે. બનાવની જાણ થતા જ ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમે તરત દોડી આવી હતી અને 48 લોકોને બચાવ્યા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર ડીજી ફાયર સુધાંશુ સારંગીએ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે. અમારી પાસે સ્કુબા ડાઇવર્સ છે. પાણીની અંદર કેમેરા સાથે બે નિષ્ણાત સ્કુબા ડાઇવર મોકલવામાં આવ્યા છે. બચાવકાર્ય માટે ભુવનેશ્વરથી ઝારસુગુડા પહોંચવા માટે તાત્કાલિક એક ટીમ મોકલવામાં આવી રહી છે.આ ઘટના ઝારસુગુડાના લખનપુર બ્લોક હેઠળ સારદા પાસે મહાનદીમાં બની હતી. અહીં એક બોટ બાળકો અને મહિલાઓને લઈને જઈ રહી હતી, જે કોઈ કારણસર પલટી ગઈ હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા તથા ગુમ થયેલા લોકોના ઠેકાણા હજુ સુધી મળ્યા નથી, જેના કારણે તેમના પરિવારજનો પરેશાન છે.પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બોટ બરગઢ જિલ્લાના બંધીપાલી વિસ્તારમાંથી મુસાફરોને લઈને જઈ રહી હતી. જ્યારે બોટ પલટી ગઈ ત્યારે કેટલાક સ્થાનિક માછીમારો હાજર હતા, જેમણે હિંમત બતાવી 40 થી વધુ લોકોને બચાવ્યા. રેસ્ક્યુ ટીમ હજુ પણ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. જો કે મહાનદીના જોરદાર મોજાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.




