આફ્રિકાના મોમ્બાસામાં રહેતા કચ્છી ઉદ્યોગપતિ હસમુખ ભુડિયાએ કન્યા કેળવણી માટે દાનનો ધોધ વહાવીને સમાજને નવી રાહ ચીંધી છે. હસમુખ ભુડિયાએ દીકરીઓના શિક્ષણ માટે 150 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે.
જાણવા જેવી વાત એ કે તેમણે આ રૂપિયા કચ્છમાં શિક્ષણ સંકુલ માટે ફાળવ્યા છે. હસમુખ ભુડિયાએ અગાઉ પણ 150 કરોડ રૂપિયા ફાળવી ચુક્યા છે. અને હવે દીકરીઓ વિના મુલ્યે શિક્ષણ મેળવી શકે તે માટે બીજા 150 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.
કચ્છી લેઉઆ પટેલ સમાજ દ્વારા આયોજીત અસ્મિતા પર્વમાં આ દાનની જાહેરાત કરવામાં આવી છે. આ દાનને પગલે દીકરીઓ માત્ર 1 રૂપિયાના ટોકને શાળામાં અભ્યાસ કરી શકશે. અને તેમનો તમામ ખર્ચ હસમુખ ભુડિયા ઉપાડશે. આ દાનની જાહેરાતને પગલે કાર્યક્રમમાં દાતા અને દીકરીઓ બન્ને ખૂબ જ ભાવુક થયા હતા.. કેટલીક અનાથ દીકરીઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી. જેને પગલે ઉપસ્થિત સૌની આંખો પણ ભીની થઈ હતી.
આ પહેલા પણ કચ્છમાં ભુડિયા પરિવાર દ્વારા અનેક પ્રકારના દાન અપાયા છે. શૈક્ષણિક સંકુલ માટે 12 ઈમારતો ચણાવાથી લઈને લોકોના આરોગ્ય માટે પણ પરિવારે દાનની સરવાણી વહાવી છે.




