સુરત: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરત ખાતે ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો’ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આપ પર પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વગર આપને આડેહાથ લીધી હતી. પાટીલે આપની જાહેરાતોને ચાઈનીઝ માલ કહી હતી. સાથે જ કહ્યું હતું કે, ગુજરાતીઓ મુર્ખ બને તેમ નથી. પાટીલે નામ લીધા વગર કહ્યું કે, એક ભાઇ આવે છે અને કહે છે કે અમે ફ્રી આપીશું, પણ પાવર આવશે કે કેમ તેની ગેરન્ટી આપતાં નથી. આ તો ચાઇનીઝ માલ જેવું છે. ધોયા સો રોયા એવું કામ છે. વિશ્વાસ કરશો તો ફસાઇ જશો.
પાટીલે કહ્યું કે, ગુજરાતીઓ લાંબો હાથ આપવા માટે કરે છે લેવા માટે નહીં. સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગારી ગુજરાત પુરી પાડી રહ્યું છે. કોરોનાકાળમાં ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક ટ્રેનો અન્ય રાજયોમાં ગઈ હતી. ડાયમંડ અને ટેક્ષટાઈલના સાહસિક ઉદ્યોગકારોએ પોતાની મૌલિકતાથી ઉદ્યોગનો વિકાસ કર્યો છે. તેઓને જ્યાં પણ જરૂર પડી છે ત્યાં સરકારે પુર્ણ સહયોગ આપ્યો છે. દેશ અને દુનિયાને જરૂરિયાત મુજબના કાપડનું ઉત્પાદન અને નવી ઈન્ડસ્ટ્રીઝ સ્થાપીને હજારો રોજગારીના સર્જનમાં યોગદાન આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
સી.આર.પાટીલે જણાવ્યું કે, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વિવિંગ એકમોથી અને કાપડની અવનવી વેરાયટીઓ થકી સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગ મળ્યો છે. ટેક્ષટાઈલ ઉદ્યોગને શાંતિમય ઔદ્યોગિક માહોલ અને હૂંફ મળતી રહે તો તેની મૌલિકતા પૂરબહારમાં ખીલી ઉઠશે. સરળ ઔદ્યોગિક નીતિઓ અને પ્રશાસનિક સહકારથી માત્ર ટેક્ષટાઈલ ઉદ્યોગ જ નહીં, પણ તમામ ઉદ્યોગોમાં નવા પ્રાણ પૂરાયા છે.




