ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લાના મોડાસાથી માલપુર સ્ટેટ હાઈવે પર સાકરીયા નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનામાં સ્થળ પર જ બે લોકોના અને એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ ગંભીર ઘટનામાં ઓછામાં ઓછા 42 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં ઘાયલોને બસના પતરા બુલડોઝરથી તોડીને બહાર લાવવામાં આવ્યા હતા.. વધુ ગંભીર 12 મુસાફરોને સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. જેઓએ ઘટનામાં ઘાયલોને તુરતજ સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં અકસ્માત કેવી રીતે સર્જાયોએ દ્રશ્યો પણ જોઈ શકાય છે. ઘટનાને પગલે સ્થાનિક ડીવાયએસપી સહિત નિવાસી અધિક ક્લેકટર સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.




