હિંમતનગરમાં પાન પાર્લરની આડમાં ભારતીય બનાવટનો બિયર અને દારૂ વેચનાર બુટલેગર ઝડપાયો
જીજ્ઞેશ સોની હિંમતનગર

હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોતીપુરા સ્થિત એક કોમ્પ્લેક્ષના ભોયરામાં પાન પાર્લરની આડમાં દારૂ વેચતા એક શખ્સને એ. ડિવીઝન પોલીસે દારૂ, મોબાઇલ સહિત રૂપિયા ૭૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેની વિરૂધ્ધ સોમવારે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.
આ અંગે એ.ડિવીઝનના પી.આઇ તથા તેમની ટીમના કલ્પેશકુમાર અને અશ્વિનસિંહ ના જણાવ્યા મુજબ સોમવારે તેમને એવી બાતમી મળી હતી કે મોતીપુરા વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષના ભોયરામાં એક શખ્સ પાસપરમીટ વિના દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે આધારે એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફના કલ્પેશકુમાર અને અશ્વિન સિંહે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા મોતીપુરામાં આવેલ સન ફલાવર કોમ્પ્લેક્ષના ભોયરામાં પાન પાર્લરની આડમાં દારૂનું વેચાણ કરતા નિખીલ જગદીશભાઇ સુથાર (રહે.ઉમિયા વિજય સોસાયટી)ને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની જડતી લેતા તેના તાબામાંથી રૂપિયા ૭૦,૧૧૫ની કિંમતની ૧૯૨ દારૂ અને બિયરની બોટલો તથા રૂપિયા ૫ હજારનો મોબાઇલ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે રૂપિયા ૭૫,૧૧૫નો મુદ્દામાલ કબ્જે લઇ તેની વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.




